કૃષ્ણકુમારસિંહજી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

1418

પ્રજાવત્સલ રાજવી નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતિના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં તા.૧૯-પ-ર૦૧૮ના રોજ સવારે ૭-૦૦ કલાકે યુનિવર્સિટીના મહાત્મા ગાંધી કેમ્પસમાં આવેલા બાસ્કેટ બોલ કોર્ટમાં મહારાજા સાહેબના વ્યક્તિત્વ પર વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાઈ ગયો.

આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભવનો અને સંચાલિત/સંલગ્ન કોલેજોના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રાંત સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. યુનિવર્સિટીના મરીન સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.ઈન્દ્ર આર. ગઢવીએ ઐતિહાસિક નોંધો ટાંકી રાજાશાહી સમયમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં શિક્ષણ, રમત-ગમત, પર્યાવરણ અને વન્યજીવન તેમજ વ્યવસ્થાપન વિશે કરેલા કાર્યોની રસપ્રદ માહિતી આપી હતી. કાળીયારના જતન, અનેક વિવિધ પ્રકારના વૃક્ષોના વાવેતરમાં મહારાજા વ્યક્તિગત રસ લીધો હતો. ડો.ગઢવીએ વિદ્યાર્થીઓને મહારાજાના જીવન ચરિત્રોમાંથી તેમની વિનમ્રતા શીખવાની હાકલ કરી હતી. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના નમ્રતાદીદીએ વિદ્યાર્થીઓને આશિર્વચન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, દ્રઢનિશ્ચય સાથે પોતાના જીવનમાં આગળ વધવા કહ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો.શૈલેષ ઝાલાએ પોતાનું મનનીય વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના જીવનનો અભ્યાસ કરીએ તો જરૂરીથી તેઓએ ભાવનગર અને દેશ માટે જે કાર્યો કર્યા તેને કારણે પ્રખર રાષ્ટ્રભક્ત કહી શકાય. ખેલાડીઓને પોતાના જીવનમાં મહારાજાના વિચારોને ઉતારવાની શીખ આપી હતી.

ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કાર્યાલયના કોર્ટ હોલમાં કુલપતિ ડો.શૈલેષભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને તથા ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહજીના અતિથિ વિશેષ પદે સવારે ૧૧-૦૦ કલાકે સર તખ્તસિંહજી હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગથી રક્તદાનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે યુવરાજએ તેમનું રસપ્રદ શૈલીમાં વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, મહારાજા સાહેબે પોતાનું રાજ્ય મહાત્મા ગાંધીજીને સમર્પિત કર્યા પછી મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા ત્યારનો પ્રસંગ આગવી શૈલીમાં વર્ણવ્યો હતો. ભાવનગર મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ મહારાજાની દિર્ઘદ્રષ્ટિએ તૈયાર (નિર્માણ) થયેલ ટાઉન પ્લાનીંગની વાતો વિગતવાર વર્ણવી રાજવીના જીવન ઝરમર વિશે પોતાના ઉંડાણપૂર્વના વિચારો રજૂ કર્યા હતા. ડો.ગઢવીએ મહારાજા સાહેબના જીવનચરિત્ર ઉપર વ્યક્તવ્ય આપ્યું હતું. કુલપતિ ડો.શૈલેષભાઈ ઝાલાએ તેમના અધ્યક્ષકિય વક્તવ્યમાં કૃષ્ણકુમારસિંહજીના દુર્દેશીપણાને યાદ કરતા જણાવ્યું હતું કે, શૈક્ષણિક ક્ષેત્રે તેઓએ કરેલા કાર્યોને શિક્ષણવિદ્દો અને વિદ્યાર્થીઓ હર હંમેશા યાદ કરશે. તેમણે દેશ માટે પોતાનું રાજ્ય સૌપ્રથમ ગાંધીજીના ચરણોમાં સમર્પિત કરી દીધુ હતું. દેશ માટે કરેલ આ કાર્યને લીધે તેમણે પ્રખર રાષ્ટ્રભક્ત કહી શકાય.

Previous articleઆદસંગ ગામે આવેલ ઉદાસી આશ્રમ ખાતે ત્રિવીધ કાર્યક્રમનુ ભવ્ય આયોજન
Next articleસેંદરડા ગામેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ