ભાવનગર જિલ્લામાં વીજચોરીના દૂષણને ડામવા માટે વીજ તંત્ર દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ઘોઘા, મામસા અને ચિત્રા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાંથી ૫૬ ગ્રાહકને વીજચોરી કરતા પકડી પાડી રૂા.૨૭ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પીજીવીસીએલના સત્તાવાર સૂત્રો પાસેથી ઉપલ્બધ વિગત અનુસાર આજે શનિવારે પીજીવીસીએલની ૩૧ ટીમે ઘોઘા, મામસા અને ચિત્રા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત સાથે વીજ ટૂકડીઓએ ઘર વપરાશ અને વાણિજ્યના શંકાસ્પદ લાગતા કુલ ૩૧૯ કનેક્શનમાં ચેકીંગ કરતા ૫૬ ગ્રાહક વીજચોરી કરતા મળી આવ્યા હતા. આ તમામ ગ્રાહકોને કુલ રૂા.૨૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈ વીજચોરી કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો. હજુ આગામી દિવસોમાં પણ વીજ તંત્ર દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.