દેશમાં જીએસટી કાનૂન લાગુ થયા પછી એપ્રિલે ૨૦૨૨માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું
નવી દિલ્હી, તા.૧
દેશનું જીએસટી કલેક્શન ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયું છે. દેશમાં જીએસટી કાનૂન લાગુ થયા પછી એપ્રિલે ૨૦૨૨માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે. આ મહિને સરકારના ખજાનામાં કુલ ૧,૬૭,૫૪૦ કરોડ રૂપિયા આવ્યા છે. વિત્ત મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન ૧.૪૨ લાખ કરોડ રૂપિયા થયું હતું. એપ્રિલમાં પ્રથમ વખત જીએસટી કલેક્શન કોઇ એક મહિનામાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું છે. આ ગત ઉચ્ચ સ્તર માર્ચ ૨૦૨૨ના ૧.૪૨ લાખ કરોડ રૂપિયા કરતા લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયા વધારે છે. સરકારે કહ્યું કે ટેક્સ કંપ્લાયન્સમાં સુધારથી જીએસટી કલેક્શનનો આંકડો શાનદાર બન્યો છે. એપ્રિલ ૨૦૨૨માં સીજીએસટી કલેક્શન ૩૩,૧૫૯ કરોડ રૂપિયા, એસજીએસટી ૪૧,૭૯૩ કરોડ રૂપિયા અને આઈજીએસટી ૮૧,૯૩૯ કરોડ રૂપિયા રહ્યું છે. આઈજીએસટીમાં ૩૬,૭૦૫ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર મેળવ્યા છે. તેમાં સેસનો હિસ્સો ૧૦,૬૪૯ કરોડ રૂપિયા (૮૫૭ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પણ ભેગા કર્યા) રહ્યો છે. એપ્રિલ ૨૦૨૨માં જીએસટીઆર-૩બીમાં કુલ ૧.૦૬ કરોડ રિટર્ન ભરવામાં આવ્યા. એપ્રિલ ૨૦૨૧ની સરખામણીમાં એપ્રિલ ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૨૦ ટકા વધ્યું છે. મંત્રાલયે કહ્યું કે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે અનુપાલનના સ્તરમાં સુધારો થયો છે. ટેક્સ પ્રશાસને આ વિશે ઘણા ઉપાય કર્યા છે. જેના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. વિભાગે ટેક્સપેયર્સને પોતાનું રિટર્ન સમય પર ભરવા માટે પ્રેરિત કરવાની સાથે ટેક્સ કંપ્લાયન્સને પણ સુગમ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ જીએસટીના નીચલા સ્લેબના દરમાં વધારો થઇ શકે છે. જ્યારે સ્લેબ ચારમાંથી ત્રણ થઈ શકે છે. આ ઉપરાંત વધુ વપરાશ અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટીના દરોને તર્કસંગત બનાવવામાં આવી શકે છે. હાલ ૪૮૦ વસ્તુઓ પર ૧૮ ટકા જીએસટી લાગે છે અને કુલ જીએસટી કલેક્શનનો ૭૦ ટકા હિસ્સો આ સેગમેન્ટમાંથી આવે છે. હાલમાં જીએસટીના ચાર સ્લેબમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલ મુજબ, જીએસટીના નીચલા સ્લેબને ૫ ટકાથી વધારીને ૬-૭ ટકા કરવામાં આવી શકે છે. જ્યારે ૧૨ ટકા અને ૧૮ ટકા સ્લેબને હટાવીને તેના સ્થાને ૧૫ ટકાનો નવો સ્લેબ આવી શકે છે. ૨૮ ટકાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
Home National International ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું જીએસટી કલેક્શન: એપ્રિલમાં સરકારને મળ્યા ૧.૬૮ લાખ...