મુંબઈ, તા.૩
શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાના વર્કઆઉટ કરતાં વિડીયો શેર કરતી રહે છે. ખાસ કરીને દર સોમવારે શિલ્પા સોશિયલ મીડિયા પર પોતાના વર્કઆઉટ કરતાં વિડીયો શેર કરે છે. સોમવાર શિલ્પાએ બસમાં વર્કઆઉટ કરતો વિડીયો શેર કર્યો છે. વર્કઆઉટ કરતી વખતે સામાન્ય રીતે જિમવેર પહેરતી શિલ્પા લેટેસ્ટ વિડીયોમાં બ્લૂ રંગના બ્લેઝર અને ડેનિમ પેન્ટમાં જોવા મળી રહી છે. શિલ્પા એક એરપોર્ટ પર ફ્લાઈટ સુધી બસમાં જઈ રહી હતી ત્યારે તેને ખાલી જોતાં જ તેણે તક ઝડપી લીધી અને વર્કઆઉટ કરી લીધું. શિલ્પા શેટ્ટીએ બસમાં કસરત કરતો વિડીયો શેર કરતાં લખ્યું, “મન્ડે મોટિવેશન. બસ ખાલી હતી માટે કર્યું. ઘરે જતી વખતે પુલ-અપ્સ અને પુશ-અપ્સ અને લંજીસ કર્યા. મિશન સફળ રહ્યું. ફિટ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાન.” શિલ્પાના આ વિડીયોને ફેન્સની સાથે સેલેબ્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક્ટર અમિત સાધે કોમેન્ટ કરતાં લખ્યું, ’આપણે ફરી મળીએ ત્યારે આમાંથી કેટલીક એક્સર્સાઈઝ કરીશું.’ આ ઉપરાંત ફેન્સે પણ શિલ્પાના ભારોભાર વખાણ કર્યા હતા અને તેને પ્રેરણાદાયી ગણાવી હતી. મહત્વનું છે કે, શિલ્પા શેટ્ટી નિયમિતપણે યોગ કરતાં વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પ્રેરણાદાયી સંદેશ સાથે શેર કરતી રહે છે. શિલ્પાએ કસરત કરવાની ટેવ તેના બાળકો વિઆન રાજ કુંદ્રા અને સમિષા શેટ્ટી કુંદ્રામાં પણ પાડી છે. શિલ્પા ક્યારેક પોતાના બાળકોના પણ કસરત કરતાં વિડીયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી હવે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં સામેલ થઈ છે. રોહિત શેટ્ટીના ઈન્ડિયન પોલીસ ફોર્સ પ્રોજેક્ટ સાથે શિલ્પા જોડાઈ છે. જેની જાહેરાત તેણે ગત અઠવાડિયે જ કરી હતી. આ પ્રોજેક્ટ સાથે શિલ્પા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. આ ઉપરાંત શિલ્પા પાસે ’સુખી’, ’નિકમ્મા’ જેવી ફિલ્મો છે.