નિયમો વિરૂદ્ધ / વીના ટિકિટ મુસાફરી કરતા લોકોને પકડી પાડવા ભાવનગર ડીવીઝનમાં સમગ્ર માસ દરમિયાન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ ચકાસણીની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. એપ્રિલ, ૨૦૨૨ના મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવતા, ડિવિઝનએ બિન-ટિકિટ/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા ૧૧૯૧૨ મુસાફરો પાસેથી રૂ. ૮૬,૫૪,૨૮૫ એકત્ર કર્યા છે, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, માર્ચ, ૨૦૨૨માં ભાવનગર ડિવિઝન દ્વારા ૯૪૬૨ મુસાફરો પાસેથી રૂ. ૬૧.૩૯ લાખ વસૂલવામાં આવ્યા હતા.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સુશ્રી નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી.