સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે લોકભારતી જળસંગ્રહ અભિયાન અંતર્ગત ઝાંઝમેર ગામે આડબંધ ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્યશ્રી આત્મારામ પરમારે ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે સરકાર સજાગ રહી છે તેમ જણાવ્યું હતું. ઝાંઝમેર ગામે રંઘોળી નદી પર આ પ્રસંગે ધારાસભ્યશ્રી આત્મારામ પરમારે સરકાર દ્વારા અગાઉ સરદાર પટેલ સહભાગી જળસિંચન યોજના, સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા વગેરેનો ઉલ્લેખ કરી થયેલી જળસંગ્રહ કામગીરીના સુખદ પરિણામોની વાત કરી હતી. તેઓએ ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ છે તેમ જણાવી આ વિસ્તારમાં અન્ય જળસંગ્રહ કામો માટે પણ થાય તે માટે અનુરોધ કર્યો હતો.ધોળા પાસેના ઝાંઝમેર ગામે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે રંઘોળી નદી પર વિશાળ આડબંધ નિર્માણ હેતુ યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા શ્રી અરુણભાઈ દવેએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અભિગમ દ્વારા અભ્યાસમાં કૃષિ વિષય પર ભાર મુક્તા પાણી સંગ્રહની કામગીરીમાં પીડીલાઈટ ઉદ્યોગ દ્વારા આર્થિક સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ પાણીની બચત સાથે જ પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની અનિવાર્યતાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રી પેથાભાઈ આહીર સાથે શ્રી રસિકભાઈ ભીંગરાડિયા, સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો જોડાયા હતા અને આ પંથકની અન્ય આડબંધોની શકયતા માટે ચર્ચા કરી હતી. પ્રતાપભાઈ આહીરના સંચાલન સાથેના કાર્યક્રમમાં આજુબાજુના ખેડૂતો આગેવાનો જોડાયા હતા. આયોજનમાં અશોકભાઈ આહિર સાથે સ્થાનિક કાર્યકરો રહ્યાં હતા. આભારવિધિ લોકભારતી જળસંગ્રહ યોજનાના મનોજભાઈ અગ્રવાતે કરી હતી.