નિયમો માણસ માટે છે. માણસ નિયમ માટે નથી. નાની એક વાત માટે મોટા ગજાના માનવીએ જડતા દાખવી તે હૈયાના ખૂણામાં શલ્યની જેમ ખૂંચ્યું હતું,ખૂંચે છે અને ભવિષ્યમાં પણ ખૂંચતું રહેશે . મોટા ગજાના માણસ થાય એટલે જડસુ રહેવું અને ફલેકસીબલ રહેવું એ તેમનો જીવનમંત્ર હશે? આવી વિભૂતિઓને જાહેરનામું બહાર પાડી રોબોટ જ જાહેર કરવા જોઇએ.
તમને મારી વાત ઉભડક લાગશે. મોં માથા વગરની લાગશે. પૂર્વાપર સંબંધો વર્ણવ્યા નથી. હું માંડીને વાત કરૂં. બધું અબરખ જેવું સ્પષ્ટ થઇ જશે!
હું દક્ષિણામૂર્તિ શાળા, ભાવનગરમાં છઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. શિશુવિહાર ભાવનગર દ્વારા સામાન્ય જ્ઞાનની સ્પર્ધાનું આયોજન કરેલ. બધી શાળોઓને કાગળ મોકલી સ્પર્ધામાં ભાગ લેવા માટે વિધાર્થીના નામ મોકલવા વિનંતી કરવામાં આવેલ. વર્તમાનપત્રો , પુસ્તકો, સામયિકોનું વાંચન કરવાની આદત હતાં શાળામાં રોજ પ્રાર્થના કરવામાં આવતી.
“ૐ તત્સત નારાયણ હરિ તું, સિધ્ધ બુધ્ધ પ્રભુ તું” આંખો બંધ કરી આ પ્રાર્થના રાગોડા તાણી ગાતા. અર્થ બર્થ કો ગોલી મારો!! પ્રાર્થના પૂરી થાય પછી વર્તમાનપત્રોની હેડલાઇનનું હું વાંચન કરતો.આમ સામાન્ય જ્ઞાનમાં ઓથોરિટી હોવાનો ફાંકો પણ ખરો. વર્ગ શિક્ષકે પણ ફોર્મ ભરી ભાગ લેવા કહેલું.એટલે ફોર્મ ભરેલું.
શિશુવિહાર સરદાર સ્મૃતિ રોડ પર આવેલી. મૂંછાળા મા તરીકે જાણીતા ગિજુભાઉ બધેકાએ મોન્ટેસરીની ટયુન પર ટેકરી પર વિશિષ્ટ અને પ્રયોગશીલ બાલમંદિર , હરુભાઇ ત્રિવેદીએ ઘરશાળા અને માનશંકર ભટ્ટે શિશુવિહાર શરૂં કરેલા. માનશંકર ભટ્ટ શાળા ઉપરાંત રચનાત્મક પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ, બ્લડબેંક વગેરે પ્રવૃતિ પણ ચલાવતા. વિધાર્થી અને ટીખળખોર લોકો માનશંકર ભટ્ટને ખાનગીમાં “માનચડી” કહીને બોલાવતા હતા.
આ સ્પર્ધામાં મેં ભાગ લીધો. સામાન્ય જ્ઞાનની પરીક્ષા આપી. પરીક્ષાનું પેપર સો માર્કનું હતું. આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવા અને ઇનામો આપવાની તારીખ જાહેર કરેલ. એ તારીખે હું ગયેલો નહીં.મને જાણવા મળ્યું કે મને સ્પર્ધામાં ત્રીજું ઇનામ મળેલ છે.
શાળા છૂટ્યા પછી દક્ષિણામૂર્તિ શાળાઓથી ધોમધખતા તાપમાં શિશુવિહાર ચાલતો ચાલતો ગયો. માનભાઇને મળ્યો. નિયમોના જીવતા જાગતા રોબોટે રુક્ષતાપૂર્વક ઇનામ આપવાની ના પાડી. ઇનામ તરીકે સોનાની ઇંટ કે ચાંદીની પાટ આપવાની હતી? ઇનામ તરીકે પુસ્તકો આપવાના હતા.છતાં,પણ માનભાઇ નામક્કર ગયા. એક નાના બાળને નિરાશ કરતાં પેટનું પાણી હલ્યું નહીં. હું નિરાશ થઇ ગયો.!
હું હતાશ થઇ ગયો. ભાંગેલા પગલે ઘર તરફ ચાલ્યો.રૂપાણી સર્કલ પહોંચ્યો. અકર્મીનો પડિયો કાણો જેવી પરિસ્થિતિ સર્જાઇ.કમનસીબી એવી કે જમણા પગનું ચપ્પલ તૂટી ગયું. ચૈત્રવૈશાખનો તાપ કહે મારું કામ.એક પગમાં ચપ્પલ સાથે કૃષ્ણનગર થઇને સર્કિટ હાઉસ પાછળ વાઘાવાડીરોડ થઇ ઘરે પહોંચ્યો. જમણો પગ તો બળીને કોલસો થઇ ગયો! પેટ ભરીને માનચડીને ગાળો દીધી.?અલબત, અહિંસક ગાળો,વાઇલ્ડ ગાળો નહીં.
માએ તગારામાં ટાંકીનું ઠંડું પાણી રેડી દીધું.તેમાં પગ બોળ્યા. પગના તળિયાને રાહત મળી. પગમાં પડેલા ફોલેલાં તો રુઝાઈ ગયા પણ મનના ફોલ્લાં આજે પણ રુઝાયા નહીં!!
– ભરત વૈષ્ણવ