નિફ્ટી ૨૭૧.૪૦ પોઈન્ટ ઘટીને ૧૬,૪૧૧.૨૫ પર બંધ
મુંબઈ , તા.૬
વૈશ્વિક બજારોમાં વેચવાલી વચ્ચે શુક્રવારે મુખ્ય શેરબજારો ઘટ્યા હતા અને બીએસઈ સેન્સેક્સ ૮૬૬.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫,૦૦૦ની નીચે બંધ થયો હતો. વિદેશી ભંડોળના સતત આઉટફ્લો અને ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતી આવવાથી બજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ હતી. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૬૬.૬૫ પોઈન્ટ્સ અથવા ૧.૫૬ ટકાના ઘટાડા સાથે ૫૪,૮૩૫.૫૮ ના સ્તર પર બંધ થયા છે. દિવસના કારોબારમાં એક તબક્કે સેન્સેક્સ ૧,૧૧૫.૪૮ પોઈન્ટ અથવા બે ટકા ઘટીને ૫૪,૫૮૬.૭૫ પર હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૨૭૧.૪૦ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકાના ઘટાડા સાથે ૧૬,૪૧૧.૨૫ પર બંધ થયો હતો. સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, નેસ્લે, વિપ્રો, એચડીએફસી, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર્સમાં હતા. બીજી તરફ ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઈટીસી, એસબીઆઈ અને એનટીપીસી વધ્યા હતા. યુરોપના શેરબજારો બપોરના સત્રમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. અમેરિકાના શેરબજારોમાં પણ ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. હેમ સિક્યોરિટીઝના વડા (પીએમએસ) મોહિત નિગમે જણાવ્યું હતું કે, “એફઓએમસી (ફેડરલ ઓપન માર્કેટ કમિટી)ની બેઠક બાદ બુધવારે યુએસ બજારોમાં રાહતની રેલી જોવા મળી હતી, પરંતુ વ્યાજદરમાં વધારાની ચિંતાને કારણે ગુરુવારે તેમાં સ્થિતિ બદલાઈ અને ઘટાડો થયો હતો..’’ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવારે તેના મુખ્ય વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વેચાણના દબાણ સાથે વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો થયો હતો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તેના વ્યાજદરમાં વધારો કરતી વખતે મંદીના સંભવિત જોખમ અંગે ચેતવણી આપી હતી. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૨૦ ટકા વધીને ૧૧૩.૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. પ્રોવિઝનલ સ્ટોક માર્કેટ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. ૨,૦૭૪.૭૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.