હું નથી ઈચ્છતી કે કોઈના નાગરિકતાના અધિકારોને કોઈ નુકસાન પહોંચે, એકતા જ આપણી તાકાત છે : મમતા
સિલિગુડી, તા.૬
પશ્ચિમ બંગાળના ૨ દિવસીય પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા મામલે ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો એ એક વાસ્તવિકતા છે અને તૃણમૂલ કોંગ્રેસ તે માટે કશું જ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ સહિત દેશના વિભિન્ન ક્ષેત્રોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. વર્ષ ૨૦૧૯ના અંત અને ૨૦૨૦ની શરૂઆતમાં સીએએ મુદ્દે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા. પશ્ચિમ બંગાળના સિલિગુડી ખાતે પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસ એવી અફવા ફેલાવી રહી છે કે, નાગરિકતાનો કાયદો કદી ધરાતલ પર નહીં ઉતરે પરંતુ હું તેમને કહવા ઈચ્છું છું કે, અમે સીએએ લાગુ કરીશું. જ્યારે કોવિડ મહામારીનો અંત આવશે ત્યારે સીએએ લાગુ કરવામાં આવશે. મમતા દીદી ઘૂસણખોરી ઈચ્છે છે પરંતુ સીએએ એક વાસ્તવિકતા છે જેને અમલમાં લાવવામાં આવશે. જેટલી ઝડપથી કોરોના મહામારીનો અંત આવશે અમે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરીશું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ’આ જ એમની યોજના છે, તેઓ સંસદમાં બિલ શા માટે નથી લાવી રહ્યા, તેઓ ૨૦૨૪માં સત્તામાં પાછા નહીં આવે તે હું તમને જણાવી દેવા માગું છું. હું નથી ઈચ્છતી કે કોઈના નાગરિકતાના અધિકારોને કોઈ નુકસાન પહોંચે. આપણી એકતા જ આપણી તાકાત છે. તેઓ એક વર્ષ બાદ અહીં આવ્યા છે. દર વખતે આવે છે અને આવી ફાલતુ વાતો કરે છે.’