તળાજા તાલુકાનું સરતાનપર ગામ આ ગામમાં વસવાટ કરતા ગરીબ ગ્રામજનો કુદરતની કારમી કસોટીનો ભોગ બન્યા છે. જીવનનિર્વાહ ચલાવવા આજીવિકાનો સદંતર અભાવ હોવાના કારણે વર્ષોથી રોજગારીની શોધમાં સહપરિવાર અહી તહીં ભટકી રહ્યાં છે. આ રખડપટ્ટી દરમ્યાન ગમખ્વાર અકસ્માતનો ભોગ બનતા એક જ પરિવારના ર૦ વ્યક્તિઓ કાળની ભેટ ચડી જતા અનેક દરિદ્ર પરિવારોના માળા વેર-વિખેર થઈ જવા પામ્યા છે. આવી ગંભીર અને કરૂણ ઘટનાને લઈને નજીકના ભાવીમાં ગંભીર સામાજિક સમસ્યાઓ સર્જાવાની એંધાણી વર્તાઈ રહી છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સમુદ્ર તટ પર વસેલા અનેક ગામો પૈકીનું એક ગામ સરતાનપર બંદર આ ગામની વિશેષતા એ છે કે ભાવેણા સ્ટેટકામાં આ ગામ અત્રેથી દુર દુર સુધી ધીકતા બંદર તરીકે જગવિખ્યાત હતું. ઘોઘા બંદર બાદ બીજો ક્રમ સરતાનપર બંદરનો રહ્યો હતો એ સમયે અત્રે રહેતી પ્રજા વહાણવટુ તથા માછીમારી થકી પોતાની આજીવિકા રળતી હતી પરંતુ અહીંના લોકોની ખુશહાલ જીંદગી તથા જાજરમાન જાહોજહાલી જોવાની જ હોય તેમ ધીમે ધીમે આ બંદર પડી ભાંગ્યું લોકો પાસે આજીવિકાનું કોઈ માધ્યમ ન રહ્યું ત્યારે ખંભાતની ખાડીમાં ચાંચીયાગીરી (સમુદ્રમાં લૂંટફાટ)નો ધંધો હસ્તગત કર્યો પરંતુ ૧૯૮પ થી લઈને ૧૯૯૦ સુધીના સમયમાં પૂ.પાંડુરંગશાસ્ત્રી પ્રેરીત સ્થાપિત સ્વાધ્યાય પરિવારએ ગરીબ અને નિરક્ષર ગ્રામજનોમાં હિન્દુ સંસ્કૃતિના આધ્યાત્મિક વિચારો સાથે આદર્શ ધર્મનો પ્રત્યેક જણમાં દોરી સંચાર કર્યો. આ કાર્યમાં સેંકડો શિક્ષિત સહભાગી થયા અને નવી ક્રાંતિની શરૂઆત થઈ. લોકો અનૈતિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી સત્ય તથા નૈતિક્તાના પંથ પર આગળ વધ્યા પરંતુ ઉપરાછાપરી દુષ્કાળના કારણે લોકોના જીવનમાં કારમી કસોટીનો અંત ન આવ્યો પણ જીવન વ્યાખ્યા બદલી ચુકેલા ગ્રામજનોએ પૂનઃ ચોરી અગર ગેરકાનુની ધંધાને પોતાના જીવનમાં સ્થાન ન આપ્યું અને બાપ-દાદાની વારસાઈ જમીનો ખેડી ખેતી તથા ખેતમજુરીઓ શરૂ કરી ગામની વસ્તી વધવા સાથે સ્થાનિકે પ્રશાસન કે સરકારે રોજગારી અર્થે કોઈ લક્ષ ન આપતા લોકો ખેતમજુરીના કામની શોધમાં દુર દુર જવા લાગ્યા. લોકોનો આ ક્રમ આજે પણ અકબંધ રહ્યો છે. વર્ષમાં માત્ર દિપોત્સવના પર્વ ૪ માસને બાદ કરતા ૮ માસ માદરે વતનથી દુર રહી આજીવીકા રળે છે. આ રીતે આજીવિકા રળવા જઈ રહેલ સરતાનપર ગામના ર૦ વ્યક્તિઓને માર્ગ વચ્ચે કાળનું તેડું આવ્યું અને હંમેશ માટે કાળની વાટ પકડી છે. આ ગોઝારી ઘટનામાં કેટલાક માવતરે ઘડપણનો આધાર કંધોતર પુત્ર તો કેટલાક કમનસીબ બાળકોએ માં-બાપની છત્રછાયા તો કોઈએ વ્હાલસોઈ પુત્રી-બહેન ગુમાવ્યા છે. કાળના વ્રજનો ભોગ તો બન્યા પણ ઉંડા અંધારે આશાનું કિરણ જીવંત છે. યુવાનીના ઉંબરે ડગ માંડી રહેલ ભાવી નવ યુવાન-યુવતીઓ શિક્ષણ અને મહેનતના જોરે ગામમાં આદર્શ સમાજ નિર્માણની મહત્વકાંક્ષા ધરાવે છે અને એ માટે તનતોડ મહેનત સાથે પરિવારથી દુર રહી અભ્યાસ કરી રહ્યાં છે. જેમાના કેટલાકને તબીબ તો અન્ય દેશ સેવાની અમીટ મહાત્વાકાંક્ષા ધરાવે છે. ગામમાંથી ર૦ મહામૂલા માનવીઓ સ્વર્ગે સિધાવ્યા છે ત્યારે તેમનું દુઃખ વહેંચવા અને દિલોસોજી પાઠવવા હમદર્દ અને સમાજસેવી સેવાભાવીઓનો લાગણીસભર પ્રવાહ શરૂ થઈ ચુક્યો છે. તળાજાના કેટલાક ગર્ભશ્રીમંતોએ આર્થિક તથા અન્ય જરૂરી મદદ માટે એકજુટ થઈ હતભાગીઓના ખોરડે હસ્તક દીધી છે. આજે તળાજા તાલુકામાંથી મોટીસંખ્યામાં ગામના ગોંદરે આવેલ રામાપીરના મંદિર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં સદ્દગતની આત્મશાંતિ અર્થે ઉપસ્થિત રહ્યાં હતા.