રાજદ્રોહના કાયદા પર ફેરવિચારણા કરવા કેન્દ્રની સુપ્રીમ કોર્ટને ખાતરી

35

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને રાજદ્રોહના કાયદાને પડકારતી અરજીઓ પર વિચારણા ન કરવા માટે અને કેન્દ્ર દ્વારા પુનર્વિચારની કવાયતની રાહ જોવા માટે કહ્યું
નવી દિલ્હી,તા.૯
કેન્દ્ર સરકારે રાજદ્રોહના કાયદા પર ફેરવિચારણા કરવાની વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજદ્રોહના કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને રાજદ્રોહના કાયદાને પડકારતી અરજીઓ પર વિચારણા ન કરવા માટે અને કેન્દ્ર દ્વારા પુનર્વિચારની કવાયતની રાહ જોવા માટે કહ્યું છે.
અગાઉ ગુરૂવારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રદ્રોહની કલમ હટાવવાનો વિરોધ કરતા તેના દુરૂપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ એવી દલીલ દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગે યોગ્ય વિકલ્પ વિચારવામાં આવશે એવું જણાવીને વર્તમાન કેસની સુનાવણી ચાલુ રાખવા નક્કી કર્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, રાજદ્રોહના કાયદા અંગે ફેરવિચારણા કરવામાં આવશે. તેની ફરીથી તપાસ થશે.
કેન્દ્રએ સુપ્રીમમાં દેશની સંપ્રભુતાની રક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કલમ ૧૨૪એની જોગવાઈઓની ફરીથી તપાસ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, સરકાર કોલોનીયલ બોજો દૂર કરવા માટે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ સોગંદનામા બાદ વધુ એક સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું હતું. તે સોગંદનામામાં સરકારે કેદારનાથ કેસમાં લેવાયેલા નિર્ણયનો હવાલો આપ્યો હતો. તે નિર્ણયમાં કોર્ટે રાજદ્રોહના કાયદાને યોગ્ય ઠેરવ્યો હતો.

Previous articleદહેરાદૂન-હરિદ્વાર સહિત ૬ સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી
Next articleશાહીનબાગમાં ત્રણ કલાક બાદ બુલડોઝર પાછું ફર્યું