બખડજંતર ચેનલમાંથી ફરમાન છૂટ્યું. વડોદરાના પાંજરા તાલુકાના ડબકાના તળિયા ભાઠ્ઠામાં ઇન્ટરવ્યુ કરી આવો. કોનો ઇન્ટરવ્યું કરવાનો એ અધ્યાહાર રાખ્યું. પાડાઓની આ જ તકલીફ છે. પૂરી સૂચના આપે જ નહીં( આવા પાડા બોસને શું કહેવું? કાંઇ ન કહેવું – જો નોકરીની ગરજ હોય તો. ગરજે પાડાને દાદાબાપા પણ કહેવો પડે. ઇસ્ટોરી ફિનિશ્ડ!!)
માય સેલ્ફ ગિરઘરલાલ ગરબડિયા અને કેમેરામેન રાજુ રદી (દુ્ર્ઘટના) ઘટના સ્થળે પહોંચ્યા. સતાધારના પાડાની ઇન્ટરવ્યુનો વિષયાંગ ઓછો લોકપ્રિય હોઇ તેને શોધવામાં તકલીફ પડી.અંતે મળી ગયો. તે દોરડે બંધાવેલ હતો ને કડબ-રજકો ભચડતો હતો. રાજુએ થોડા ફોટા પાડ્યા. મેં કહ્યુ્ કે તેની પોઝીટીવ પણ નેગેટીવ જેવી આવશે. તું ફોટો પાડવાનું રહેવા દે. વિડિયો શૂટિંગ કરી લે. રાજુએ લોંગ શોટ કલોઝઅપ લીધા. અમે મહિષકુમારનો કાલ્પનિક ઇન્ટરવ્યુ શરૂં કર્યો!!
“પાડાભાઇ. અમે બખડજંતર ચેનલમાંથી તમારો ઉન્ટરવ્યુ કરવા આવ્યા છીએ” અમે પ્રસ્તાવના રજૂ કરી,
“ ભોંઓ ભોંઓ “ પાડાએ તેની ભાષામાં અમારું અભિવાદન કર્યું કોરાના કારણે શેઇક હેન્ડ કરવું જોખમી હોઇ તેણે પાછલો પગ અભિવાદન માટે લંબાવ્યો. પછી શીંગડું આગળ કર્યું અમે બંને રીતો ઠુકરાવી બે હાથ જોડી અભિવાદન કર્યું. પાડાભાઇએ સેનેટાઇઝરથી પૂંછડું સેનેટાઈઝ કર્યું.
“ પાંચ ભારા કડબ મળશે તો જ ઇન્ટરવ્યુ આપીશ” પાડાજી ઉવાચ.અમે ગાંઠના પૈસે કડબની વ્યવસ્થા કરી.
“ હું મિડિયાથી નારાજ છું. એકાદ છાપાએ કવર્ગ કર્યું છે. તમે હાથ સેનેટાઈઝ કરીને કોરાના , ડેલ્ટા, ઓમિક્રોન, આઇએચયુ વાયરસ પાછળ પડી ગયા છો. પાડા કેડર વિશે કાંઇ વિચારતા નથી.” પાડાજીએ નારાજગી દર્શાવી.
“ વાહ ભાઇ વાહ !!તમે તો કોમ્પીટેટિવ પરીક્ષાના ઉમેદવારની જેમ લેટેસ્ટ જનરલ નોલેજ ધરાવો છો!!” અમે કહ્યું.
“ કેમ ના હોઈએ? અમે ફૂડ ચેઇન્જ માટે છાપા ખાતા હોઈએ છીએ. જનરલ નોલેજ ચાવી ચાવીને માસ્ટર થયા છીએ” અભિમાનથી ફૂલણજી કાગડાના સ્વૈગથી પાડાજી બોલ્યા.
“વેરી સ્માર્ટ પાડા!!” અમે કોમ્પ્લીમેન્ટસ આપ્યા.
“તમે ગામલોકોને કેમ ઢીંક મારી ગબડાવો છો? ગામલોકોએ તમારું શું બગાડ્યું છે?” અમે પૂછયું
“ તમે પંજાબમાં પાડા લડાવો( સ્ટેચ્યુટરી વોર્નિંગ – લડતા પંજાબ! અહીં ચો- પગાની વાત છે. કોઈએ બે પગાની વાત સમજવી નહીં. નહીંતર અમારી કોઇ જવાબદારી નથી!!) અહીં ગામમાં પરણવાલાયક લાલ પાનેતરમાં સજ્જ નવોઢા લાવે અને અમારે જમણવારનો એંઠવાડની ઓખર કરવાની? અમારી સિસમ જેવી કાયામાં લાલ લાલ દિલ હોય છે!! શું અમારે અમારો સંસાર શરૂં કરવાની મનોકામના ન હોય? અમારા દિલમાં પણ ભોંઓ ભોંઓઓઓ થતું હોય કે નહીં. અમારી કુછ કુછ હોતા હૈંની હેવી લાગણી કોઇ સમજે નહીં તો ગુસ્સે હોના લાજમી હૈ!!”પાડારત્ને વેદના ટપકાવી .?આંખોમાં આંસુઓની ધાર.,અમે પેપર નેપકીનથી આંસુ લૂંછ્યા. તેણે થેંકસ કહહ્યું .
“ પાડાભાઇ ગૌવંશમાં ખેતીકામ માટે કે ગાડું ચલાવવા બળદ અને ગૌવંશની વૃધ્ધિ માટે આખલો હોય છે. તમારામાં આવું કંઇ હોય છે?” અમે પૂછયું.
“ માનવજાતિમાં જેમ ડ્રાઇવર તરીકે નોકરીમાં જોડાય, પટાવાળા તરીકે જોડાય અને નિવૃત થાય ત્યારે ડ્રાઇવર કે પટાવાળા હોય છે એવું જ અમારા માટે છે. વાછરડી તરીકે જન્મેલ ગાયબાળકી ગાય કહેવાય છે. પાડી તરીકે જન્મેલ ભેંસબાલિકા ( કોઇ ગેરસમજ ન કરશો પ્લીઇઇઇઝ. તમે સ્થૂળ શ્યામાંગીને ભગરીભેંસ કહો છો! એની અત્રે વાત કરવાનો ઉપક્રમ નથી!!)છેવટે ભેંસ કહેવાય છે!! પણ પાડો જન્મે પણ પાડો અને મરણે પણ પાડો કહેવાય છે. આ અન્યાય બાબતે પ્રાણીશાસ્ત્રઓ અને ભાષાશાસ્ત્રીઓ સંગીન વિચારણા કરવાની જરૂર છે.”કોઇ મહાનુભાવનું અવસાન થાય , તેનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે અને દૂરદર્શન પર હ્દયવિદારક શોક પ્રદર્શિત કરતું સંગીત ધીમા સૂરે વાગતું રહે અને ઘણીવાર સમાચાર આવતા હોય તો નેપથ્યમાં કરૂણતમ સંગીત ચાલું હોય તેવા કરૂણ સૂરે પાડો હળવું તાલવ્ય ગાંગર્યો.
“ પાડાભાઇ તમારા ત્રાસે ગામલોકો ઝાડ પર ખાટલા બાંધી દસ દિવસથી ઊંઘે છે. તમારો શું પ્રતિભાવ છે?” અમે પૂછયું
“ તો હું કયાં કોઇ રજવાડી ઢોલિયા પર સ્લીપવેલનું ડનલોપ ગાદલા પર ઊંઘ્યો છું??” પાડાજીએ મોરારજી સ્ટાઇલનો સામો સવાલ કર્યો!
“ ભાઇ ( આ સર્વ સામાન્ય સંબોધન છે. પાડા અને અમારા વચ્ચે આનુંવાંશિક કે હેરીડેટરી સંબંધો પ્રસ્થાપિત કરવાની નુકતેચીની કરવી નહીં . નહીંતર અમને તમોને ઢીંક મારવાની ફરજ પડશે.) તમે યમરાજનું વાહન છે. યમરાજે તેના દૂતો માટે આઉટ સોર્સિંગ વ્યવસ્થાથી પાડા હાયર કર્યા છે.મહિષાસુર બની દેવતાના નાકમાં દમ ભરી દીધો હતો. તમારી કોઇ છચ્છા ખરી?” અમે છેલ્લો સમાલ પૂછ્યો.
“ એક નાજુક , નમણી,ચંચલાગી, સુકુમાર દેહયષ્ટિની માલિકણ એવી મહિષી કે જે મનીષી અને વિદુષી હોય તેવી મહિષી સાથ હાથ સોરી પગ પીળા કરવા છે અને સતાધાર જેના ધામમાં સ્થાયી થવું છે!!” આમ કહી નાકના ફોયણા ફૂલાવી મને અને રાજુને શીંગડે ચડાવીને પાદરાના પાદરે મેલી દીધા !!!
– ભરત વૈષ્ણવ