નવી દિલ્હી, તા.૧૧
ચેન્નાઈના સ્ટાર પ્લેયર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે અને તે આઈપીએલની બાકીની મેચો ગુમાવે તેવી શક્યતા છે.
આ પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી દીપક ચહર અને એડમ મિલ્ન પણ ઈજાગ્રસ્ત થઈ ચુકયા છે. રવિન્દ્ર જાડેજા દિલ્હી સામેની મેચમાં નહોતો રમ્યો અને મીડિયા રિપોર્ટ પ્રમાણે બેંગ્લોર સામેની મેચમાં જાડેજાને શરીરના ઉપરના હિસ્સામાં ઈજા થઈ હતી. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે જાડેજા ઈજામાંથી જલ્દી બહાર આવી શકે તેમ નથી ત્યારે શક્ય છે કે, તે આઈપીએલમાં બાકીની મેચોમાં જોવા ના મળે. રવિન્દ્ર જાડેજા માટે આઈપીએલની વર્તમાન સિઝન એમ પણ બહુ સારી રહી નથી. આ સિઝન શરુ થતા પહેલા તેમને કેપ્ટન બનાવાયા હતા. જોકે પહેલી ચારે મેચ ચેન્નાઈ હારી ગઈ હતી. આઠ મેચ રમાયા બાદ જાડેજાએ કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ધોનીએ ફરી કેપ્ટનશિપ સંભાળી હતી. આ સિઝનમાં જાડેજા ૧૦ મેચમાં ૧૯.૩૩ના એવરેજથી ૧૧૬ જ રન બનાવી શક્યા છે. બોલિંગમાં પણ અત્યાર સુધી તેમના ભાગે પાંચ જ વિકેટ આવી છે અને ફિલ્ડિંગમાં પણ જાડેજાથી કેચ છુટ્યા છે.