કમનસીબ વ્યકિતની યાદી તૈયાર કરવાની હોય તો છેક ટોચની પાયદાન પર એક જ નામ વિનાવિલંબે નિર્વિકલ્પ કે નિર્વિરોધ રાધેલાલનું નામ જ હું જાહેર કરૂં .તમને થશે કે રાધેલાલ કોણ? એની સાથે અમારે શું સંબંધ છે? અરે વાચક બિરાદર અથરા ન થાવ. તમામ વિગતો આપીશ. થોડીક ધીરજ-ધૈર્ય રાખો.રાધેલાલ અમારા સાવ સગા કાકા થાય. સાચું કહું તો કાકા જેવી ફિલિંગ આવે નહીં. કાકા-ભત્રીજાના સંબંધ કેવા ઉષ્માપૂર્ણ હોય. કાકા પોતે ભત્રીજા પર ઓળધોળ થાય. કાકા માટે ભત્રીજા બાળ લાલજી મહારાજ હોય!! ભાઇ આ બધું પુસ્તકોના પૃષ્ઠોમાં સારું લાગે.રાધેલાલ માટે કાકા કંસનું વિશેષણ યથાર્થ લાગે. ભત્રીજા માટે એક વાર રમકડા, મિઠાઇ કે કપડાં લાવ્યા હોય તો તેના પરમ પૂજ્ય પિતાશ્રી નિધન પામે. સમય-કસમયે તેના કામ માટે અમરેલી દોડી આવે. અમારા ઘરે જ ધામા હોય. રહેવા,ખાવા, સૂવાની સુવિધા નિશુલ્ક મળી રહે. મોતિયા મહેમાન હોય છતાં અમને ભાઇભાંડરૂંને તમાચા મારવા કે કાન આમળવાની ડયુટી કરવા માટે સદૈવ તત્પર હોય!!!આજથી પચાસ વરસ પહેલાં સીધી ભરતીના રેલવે સ્ટેશન માસ્તર થયેલા. આ જમાનામાં તો ડિવિઝનલરેલ્વે મેનેજર – ડીઆરએમ જેવો માનમરતબો કહેવાય. અલબત, રાધેલાલ સફળતા જીરવી કે પચાવી ન શકયા! માનો કે હોઠ સુધી આવેલો પયમાનો. એકાદ બુંદ કે સીપ સુખનો પીધો ન પીધો કે પ્યાલો હોઠોથી જબરદસ્તીથી છીનવાઇ ગયો!!બન્યું એવું કે રાધેલાલને બહેનો પર ખૂબ જ વ્હાલ. તેમની એક બહેન વેકેશનમાં રાધેલાલના ઘરે આવી હતી.તેના છોકરાનું વેકેશન પૂરું થતાં અમદાવાદ પરત ફરવાનું હતું. ભાઇ સ્ટેશન માસ્તર હોય તો રેલવેની ટિકિટની પાંચ પચીસ રૂપરડી થોડી ખર્ચવાની હોય. પૈસા થોડાં ઝાડ પર ઉગે છે? ટિકિટ લેવાથી સ્ટેશન માસ્તર ભાઇની આબરૂને બટો ન લાગે?રાધેલાલે પોતાનો ફેમિલી પાસ બેનને આપી દીધો. બેનને વીરપસલી આપી, ભાતા સાથે વિદાય કરી. જેતલસર જંકશને ચેકીંગ આવ્યું. બેને રાધેલાલનો પાસ દેખાડ્યો. ચેકરે પાસ જપ્ત કરી અમદાવાદને રીપોર્ટ કર્યો.રાધેલાલનો ખુલાસો પૂછાયો. આ કેસમાં રેલવેએ તપાસમાં ભીનું જ સંકેલ્યું. નોકરી જાય તેવા કેસમાં ત્રણ મહિના પાસ સસ્પેન્ડ કર્યો. બોલો, આમાં રાધેલાલનું શું લૂંટાઇ ગયું હોય?રાધેલાલે વિનાશકાળ્ વિપરીત બુધ્ધિ જેવું કર્યું. લગભગ પેટ ચોળીને શૂળ ઉભું કર્યું. આ બેલ મુજે માર મુજબ ત્રણ મહિના રેલવે પાસ કરવાના નિર્ણય સામે અપીલ કરી!!
રેલવેએ રાધેલાલને રીમુવલ ફ્રોમ સર્વિસ કર્યા. એટલે ગડગડીયું પકડાવી દીધું!!!સ્ટેશન માસ્તરની દોમ દોમ સાહેબી પૂરી થઇ. કુટુંબનું ભરણપોષણ કરવા સ્યુગર મિલમાં કારકુનની નોકરી લેવી પડી. સ્વભાવમાં ૩૬૦ ડિગ્રીનો આમૂલાગ્ર સુધારો ( જખ મારીને ) કરવો પડ્યો! આ નોકરીની સાથે આજુબાજુના ગામોમાંથી દૂધ એકત્રિત કરી ધરે લઈ આવે. નાના વાસણમાંથી મોટા વાસણમાં ઠાલવે. દૂધ કાઢવાની એલ્યુમિનિયમની પળીમાં દૂધ કાઢે. એમાંથી થોડું દૂધ હથેળીમાં કાઢે. તેને ચાખે.હાંડામાં ભરેલ પાણી ટમલરમાં ભરીને દૂધના વાસણમાં નામતા જાય. છેલ્લે તો દૂધમાં પાણી છે કે પાણીમાં દૂધ છે નક્કી કરવું દુષ્કર બંને!!આવી રીતે રાધેલાલે બાકીના આયખાનું રફૂ કર્યું .!!!
– ભરત વૈષ્ણવ