કોઇ પથ્થરસે ન મારો આયારામ-ગયારામકો!!! (બખડ જંતર)

41

રાજુ રદી બહુ જ સેન્સેટીવ છે. વારંવાર ગુસ્સે થઇ જાય છે. ગુસ્સો તેના નાકના ટોચકે બેઠો હોય છે. સિધ્ધાંતોના બળદના પૂંછડા આમળે રાખે છે.ટુકમાં રાજુ રદી સ્કેવર લેગ ઇન સર્કલ છે!! રોંગ મેન ઇન વર્કર્સ પેરેડાઇઝ છે.
“ આ દેશનું શું થવા બેઠું છે?” રાજુનો આ તકિયા કલામ છે.
“રાજુ . શું થયું ? બધું બરાબર છે? આટલી ઠંડીમાં તું શા માટે ઉકળે છે?”એમ કહી મેં રાજુને ચાનો કપ ધર્યો.
“ગિરધરભાઇ.તમે જોયું કેટલાક લોકો આપણી ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિને નેસ્તનાબૂદ કરવા પર ઉતરી આવ્યા છે. આ એક મોટું આતતાયી આક્રમણ છે. આ બધું કેમ ચલાવી લેવાય?” રાજુ વધુ ઉકળ્યો.જો કે,ચા પીધા પછી થોડી ગરમી વધે પણ ખરી!!
“રાજુ. વેલેન્ટાઇન ડે નજીક આવે અને સંસ્કૃતિના રક્ષકો ભૂરાયા થઇ ઉત્પાત મચાવે તેમ તું પણ મોરલ પોલિશિંગ પર ઉતરી આવ્યો કે શું?” મેં રાજુને પૂછયું.
“ગિરધરભાઇ. હું વેલેન્ટાઇન ડે નો વિરોધી નથી. હું સો રેડ રોઝ લઇને બધાને પ્રપોઝ કરૂં છું પણ ક્યાંય મેળ પડતો નથી.” આમ કહી રાજુએ ડુસ્કું ભર્યું . મેં તેનો ખંભો પંપાળી આશ્વાસન આપ્યું.
“રાજુ. લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. એવરી કલાઉડ હેઝ સિલ્વર લાઇન” મેં રાજુને હિંમત બંધાવી.
“હમમમ્” મોટા માણસ જેમ રાજુએ ડોકું ધુણાવ્યું.
“રાજુ. દેશમાં માત્ર ને માત્ર નેતા લોગ અંતરાત્માના અવાજને અનુસરે છે. આજે અંતરાત્માના અવાજને અનુસરીને ક પક્ષમાં હોય. અંતરાત્મા ત્રીજી કલાકે ખ પક્ષમાં જોડાવાનો આદેશ આપે તો બિચારો નેતા શું કરે? પછી બાર કલાકે પાછો આદેશ આપે તો બિચારો નેતા મરે.આપણે ત્યાં પક્ષપલ્ટાની ઉજળી શાનદાર પરંપરા રહી છે.આપણને આ કલ્પસૂત્ર સમાન વિચારધારાએ આયારામ ગયારામ જેવા ક્રાંતિકારી શબ્દની ભેટ આપી છે.
જેમ કોરાના વાઇરસનું ઉત્પત્તિ કેન્દ્ર વુહાન હતું એમ આયારામ ગયારામનું ઉત્પતિ કેન્દ્ર ભારતનું રાજકારણ છે.ગુજરાતનો હજુરીયા -ખજુરીયા કાંડ પણ પક્ષપલ્ટાના વાઇરસનો એક ભાગ છે. આયારામ ગયારામ વાઇરસ રાજકારણમાં કોરોના છે તો હજુરીયા ખજુરીયા રાજકારણનો ઓમિક્રોન છે.ભજનલાલ , ચિમનલાલ, શંકરલાલ આ માળાનાં મોટા મણકા છે. – હરિયાણાના ગયારામે માત્ર નવ કલાકમાં બેવાર પક્ષ પલ્ટો કર્યો હતો હીરાનંદ આર્યએ નવ મહિનામાં પાંચ વાર પક્ષ પલટો કર્યો હતો .”મેં રાજુને પક્ષપલ્ટાની ગૌરવાન્વિત ઘટનાઓ પક્ષપલ્ટાના જ્યોતિર્ધર , પક્ષધરો અને શિલ્પી વિશે સ્તુત્ય વાત કરી.
“ ગિરધરભાઇ.આપણા પક્ષપલ્ટુ હીરો આત્મસન્માન, આત્મગૌરવને ઠેસ પહૌંચે કે વિસ્તારના સમર્થકો દેશ ખાતર બલિદાન આપવાની હાકલ કરે ત્યારે ને ત્યારે જ અંતરાત્માના અવાજને અનુસરીને પોતાના પક્ષની વંડી કૂદીને બીજા પક્ષમાં લાંબો કે ટુંકો કૂદકો લગાવે છે.
તે સમયે તેના મનમાં રૂપિયા, ચૂંટણીની ટિકિટ, મંત્રીપદ, પેટ્રોલપંપ કે ગેસની એજન્સી, બોર્ડ- કોર્પોરેશનનું ચેરમેનપદ કે એવી સ્થુળ, તુચ્છ કે નગણ્ય લાલચ,કુંઠા, આસક્તિ વ્યાપેલી હોતી નથી. મીરાની માફક કહે છે મેરો તો પક્ષપલ્ટો ગિરિધર દૂસરો ન કોઇ. આના કારણે સામાવાળાનું માન જળવાઇ તેમ જ લક્ષ્મીનું અપમાન ન થાય તે માટે શરૂઆતમાં ચણામમરા જેવી રકમ
૨૦,૦૦૦ રૂપિયામાં મને કમને સ્વીકારતા હતા. ઓક્ટોબર-નવેમ્બર-૧૯૬૭ની વાત છે કે જ્યારે એમએલએના ભાવ જાહેરમાં બોલાતા હતા. ત્યારનો સમય હોર્સ ટ્રેડીંગની શરૂઆતનો હતો.કહે છે કે હરિયાણાના રાજકારણનો આ સૌથી ડાર્ક ફેઝ હતો. આજે એમએલએનો ભાવ આસમાને છે જેમાં ગરજ પ્રમાણે વધધટ થયા કરે છે. તેમજ સત્તા મળે એટલે મલાઇદાર હોદ્દાની ઓફર કરાય છે. કરોડોની ઓફરથી પક્ષને વફાદાર કહેવાતા ભલભલા લલચાઇ જાય છે. લોકોમાં રાજકીય સત્તાનું વળગણ એટલું મોટા પાયે હોય છે કે તે પક્ષપલ્ટાનો મોટો કૂદકો લગાવી દે છે. “રાજુએ કહ્યું.
“રાજુ. જગતના પ્રથમ પક્ષપલટું વિભીષણ હતા. કૌરવપુત્ર સુયોધને મહાભારતના યુધ્ધમાં પાંડવના પક્ષમાં પક્ષપલટો કરેલ હતો.કવિ પ્રીતમે કહ્યું છે કે પક્ષપલ્ટાનો મારગ છે શૂરાનો ,નહીં કાયરનું કામ જોને!!બાલ ગંગાધર તિલક મહારાજ કહ્યું હતું કે પક્ષપલટો મારો જન્મ સિધ્ધ હક છે.તે હુ કરીને જ જંપીશ. બાપુએ કહ્યું છે કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ પક્ષપલ્ટો કર્યા સિવાય નહીં હટું. કવિ નર્મદે પણ કહ્યું છે કે પક્ષપલ્ટાનું ડગલું ભર્યું તે પીછે ના હટું તે ના હટું. ભગવદ ગીતામાં લખ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય : પર ધર્મે ભયાવહઃ આનો મતલબ એવો નથી કે સામેની પાર્ટીના માણસની પતરાળીમાં સતત સુગંધીદાર સ્વાદિષ્ટ વાનગી પીરસાતી હોય અને તમારી થાળીમાં પચ્ચીસ વરસથી પાણી પણ પીરસાતું ન હોય તો ભૂખ્યો માણસ પાટલી ન બદલે તો શું કરે?મેં રાજુને કહ્યું
“ ગિરધરભાઇ.દેશમાં કેટલાક લોકો અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. એક પક્ષના લોકો ચૂંટણીમાં જેમને ટિકિટ ફાળવી છે તેને મંદિર, મસ્જિદ, ચર્ચ અગિયારી ,સિનેગોંગમાં લઇ દઇ ચૂંટાઇ આવે તો પાંચ વરસ સુધી પક્ષને વફાદાર રહેશે તેવા સોંગદ લેવડાવી લઇ રહ્યા છે. તેનો વાંધો નથી. પણ બેબસ, લાચાર, અસહાય ઉમેદવારોને કોઇ પણ સંજોગોમાં પક્ષપલટો નહીં કરે તેવા સોગંદ લેવડાવી રહ્યા છે!! કેવો જુલમ કરી રહ્યા છે. કીડીને કોસનો ડામ દઇ રહ્યા છે!! આ અન્યાય કીડી પર કટક છે!!” રાજુએ કહ્યું.
પક્ષપલ્ટો કરનાર મજનું છે,રોમિયો છે, મહિવાલ છે, ફરિયાદ છે. પારેવાં છે. પક્ષપલટાની ચણ ચણવા દો.
કોઇ પથ્થરસે ન મારો મેરે આયારામ-ગયારામકો!!

– ભરત વૈષ્ણવ

Previous articleરજત પાટીદારનો ૧૦૨ મીટર લાંબો છગ્ગો, વૃદ્ધ વ્યક્તિને માથામાં વાગ્યો બોલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે