મુંબઈ, તા.૧૭
ટીવી સ્ક્રીન પર સૌથી વધુ વર્ષથી ચાલી રહેલી સીરિયલમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી વધુ એક એક્ટરની એક્ઝિટ થઈ છે. દિશા વાકાણી (દયાબેન), નેહા મહેતા (અંજલીભાભી) અને ગુરુચરણ સિંહ (રોશન સોઢી) બાદ મળેલી લેટેસ્ટ ખબર પ્રમાણે શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતા, જેઓ શરૂઆથી શોનો ભાગ હતા તેમણે અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. માહિતી પ્રમાણે, શૈલેષ લોઢા જેઓ તારક અને જેઠાલાલના (દિલીપ જોશી) મિત્રના રોલમાં હતા તેમણે શો છોડવાનું મન બનાવી લીધું છે. શો સાથે સંકળાયેલા સૂત્રોએ અમારા સહયોગીને માહિતી આપી હતી કે, છેલ્લા એક મહિનાથી શૈલેષ લોઢા શોનું શૂટિંગ કરી રહ્યા નથી અને શોમાં પરત ફરવાનો તેમનો કોઈ પ્લાન નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ લોઢા તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નથી, આ સિવાય શોમાં તેમની ડેટ્સનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનું પણ તેમને લાગે છે. ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવા પાછળનું એક કારણ એ પણ છે કે, એક્ટરને આ શોના કારણે અન્ય તક એક્સપ્લોર કરવા માટે સક્ષમ નથી. હાલમાં તેમને ઘણી ઓફર મળી હતી અને હવે જે તક મળવાની છે તે માટે તેને તેઓ જતી કરવા માગતા નથી. શૈલેષ લોઢાને સમજાવવા માટે પ્રોડક્શન હાઉસ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ એક્ટર અને જાણીતા કવિએ નિર્ણય લઈ લીધો છે. શૈલેષ લોઢા એ શરૂઆતથી ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ છે અને શોના મુખ્ય પાત્રોમાંથી એક છે. પાત્રથી તેઓ ઘણાને પોતાની સાથે સાંકળી શક્યા છે અને દર્શકોને તેમને તારક તરીકે પ્રેમ આપે છે. દર્શકોને તેમની જેઠાલાલ સાથેની મિત્રતાને એન્જોય કરે છે. અને બંનેનું રિયલ લાઈફમાં પણ જબરદસ્ત બોન્ડિંગ છે. થોડા મહિના પહેલા, રાજ અનડકટ ઉર્ફે ટપ્પુ પણ શો છોડવાને લઈને સમાચારમાં હતો પરંતુ પ્રોડક્શન હાઉસે તેને ગમે તેમ કરીને મનાવી લીધો હતો. અગાઉ, નેહા મહેતાએ કોરોના મહામારીના કારણે લોકડાઉન થયું તે દરમિયાન શો છોડ્યો હતો. શોમાં તેના સીક્વન્સથી તે ખુશ નહોતી. નેહા મહેતાને સુનૈના ફોજદારે રિપ્લેસ કરી હતી. નેહા મહેતા બાદ ગુરુચરણ સિંહે પણ અલવિદા કહ્યું હતું, જે બાદ તેના સ્થાને બલવિંદર સિંહની એન્ટ્રી થઈ હતી. આ સિવાય દિશા વાકાણી એક્ઝિટ હજી પણ ચર્ચમાં છે, જે મેટરનિટી લીવ પર ગયા બાદ પરત ફરી નથી.