અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સરકાર એલર્ટ, અમિત શાહે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

40

નવીદિલ્હી,તા.૧૭
અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહ મંત્રાલયમાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ વાર્ષિક તીર્થયાત્રા બે વર્ષના અંતરાલ પછી ૩૦ જૂને શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ એકે ભલ્લા, સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહ, ડીજી બીઆરઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરી સહિત બીએસએફ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓએ હાજરી આપી હતી. આ સાથે ઈન્ટેલિજન્સ બ્યુરોના ચીફ અરવિંદ કુમાર અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ બેઠકમાં ભાગ લીધો હતો. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ૩૦ જૂનથી ૧૧ ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા દરમિયાન નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ અને આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. જો કે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવશે. આ સાથે સુરક્ષા સંબંધિત વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન, ડ્રોન, એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. રિપોર્ટ્‌સ અનુસાર અમિત શાહે સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં અમરનાથની યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં બનેલી ચિંતાજનક ઘટનાઓને પણ ધ્યાને લઈને કેટલીક ચર્ચા કરવામાં આવી હતી. અમરનાથ યાત્રાએ આવતા યાત્રાળુની સુરક્ષા મુદ્દે યોજાયેલી બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્ર સરકારના સચિવ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ , બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને એનઆઇએના અધિકારીઓએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે આ બેઠક પહેલા જ મનોજ સિન્હા દિલ્હી ગયા હતા. તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા હતા.
રિપોર્ટ્‌સ અનુસાર બેઠકમાં સુરક્ષાની સ્થિતિ સૌથી મોટો મુદ્દો હતો. હાલમાં જમ્મુ-કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. ભટ્ટ ચદૂરા ખાતે આવેલી તહસીલ ઓફિસમાં કામ કરતા હતા. આ સિવાય ગુરુવારે કટરા જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૦ ઘાયલ થયા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે સ્ટિકી બોમ્બ વડે બસને નિશાન બનાવવામાં આવી હતી.

Previous articleગુજરાતમાં આ વર્ષે ૧૫ જૂન પહેલાં ચોમાસુની આગાહી
Next articleભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું