ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્‌ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાયું

46

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે રથયાત્રા બંધ હતી : બે વર્ષ બાદ નીકળનારી રથયાત્રામાં લોકોનો ઉત્સાહ બેવડાશે – અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા
ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ નીકળતી રથયાત્રાના કાર્યાલયનું સત્યનારાયણ રોડ કાળુભા ખાતે વિધિવત રીતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉદ્‌ઘાટન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીની પૂજાવિધિ, દીપ પ્રાગટ્ય ધવજારોહણ અને સભા સાથે કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવનગરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર શહેરમાં છેલ્લા ૩૬ વર્ષથી પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાવનગરમાં આ રથયાત્રાનું આયોજન અષાઢી બીજ તારીખ પહેલી જુલાઈને શુક્રવારના દિવસે કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી ભાવનગરની નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે બે વર્ષની કોરોના મહામારીને લઇ સાદગીપૂર્વક કાઢવામાં આવેલી રથયાત્રા આ વર્ષે ધામધૂમથી યોજવામાં આવશે. સ્વ શ્રી ભીખુભાઈ ભટ્ટ દ્વારા પ્રેરિત ભાવનગરની રથયાત્રા માટે એક માસ પહેલા જ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવે છે. ત્યારે આજરોજ ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્‌ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવની પૂજા વિધિ તેમાં જ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવનગરના પૂર્વ સાંસદ અને પ્રમુખ વક્તા રાજેન્દ્રસિંહ રાણા, નાની ખોડિયાર મંદિરના મહંત ગરીબરામ બાપુ, વશિષ્ઠ આશ્રમના મહંત ઓલિયા બાપુ, તપસ્વી બાપુની વાડીના મહંત રામચંદ્રજી મહારાજ સહીતના સંતો-મહંતો તેમજ રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભા ગોંડલીયા સહીતના સમિતિના આગેવાનો અને શહેરના અગ્રણી નાગરિકો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગર શહેરના બહુચર્ચિત માતા-પુત્રી હત્યા પ્રકરણે ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી લેતી LCB
Next articleરિજીનીઓલ સાયન્સ સેન્ટરમાં નિર્માણ પામેલા મ્યુઝિયમમાં અલગ-અલગ પાંચ ગેલેરીઓ બનાવાઈ