પાણીની સમસ્યા અંગે આપણ સૌ જાણએ છીએ.. પરંતુ પાણીની તંગી પડે ત્યારે જ તેનું મૂલ્ય સમજીએ છીએ… તેવું સામૈત્રી ગામના તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના સામૈત્રી ગામમાં તળાવ ઉંડુ કરવાનું કામ ચાલી રહ્યું છે. સાંસદ પરેશ રાવલે દત્તક લીધેલા સામૈત્રી ગામમાં જળ અભિયાન અંતર્ગત થતી કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા.આ પ્રસંગે સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે, મેં ગામને દત્તક લીધું છે. જેથી મને અહી આવવાથી આનંદ મળે છે. આજે ગુજરાત સરકાર દ્વારા રાજયના સ્થાપના દિનથી રાજયભરમાં ચાલું કરેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સામૈત્રી ગામનું તળાવ ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે વાતનો મને આનંદ છે. મારા મતે આ જળ અભિયાન કે જળયજ્ઞ નથી, આ એક ભગીરથ કાર્ય છે. નર્મદા નદીમાં જેટલું પાણી છે, તેટલું પાણી ગુજરાતના તળાવોમાં છે. પરંતુ આ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા અને પાણીના તળ ઉંચા લાવવા માટે આ ભગીરથ કાર્ય જરૂર મદદગાર બનશે. દેશના મોટા ભાગના વિસ્તારમાં પાણીની સમસ્યા છે, તેવું કહી વઘુમાં જણાવ્યું હતું કે, તામિલનાડું રાજયમાં તો વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો કાયદો છે, તેનાથી શું ફાયદા થાય છે, તેની પણ વિસ્તૃત વાત કરી હતી. તળાવનું કામ પૂર્ણ થઇ ગયા બાદ ચોમાસાની ઋતુમાં તળાવની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવા અને સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. સાંસદ પરેશ રાવલે સામૈત્રી ગામના તળાવની મુલાકાત બાદ સાંપા ગામના તળાવની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહ, ગામના સરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.