ગાંધીનગર ઼ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે ત્યારે નાગરિકોમાં બિમારી જોવા મળી રહી છે. તાવ, ડીહાઇડ્રેશન સહિતની બિમારીની ફરિયાદો આવી રહી છે. રાજ્યમાં ગરમીના અને ઠંડા પીણા આરોગવાના કારણે કેસ વધી રહ્યા છે. સિવિલમાં ગરમીની અસર જોવા મળી રહી છે. ઇન્ડોર બિલ્ડીંગમાં આઠમાં માળે મેડીકલ વોર્ડ કાર્યરત છે પરંતુ ત્યાં દર્દીઓની સંખ્યા હાઉસફૂલ જોવા મળી રહી છે. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જૂની બિલ્ડીંગમાં બે રૂમમાં મેડીકલ વોર્ડ શરૂ કરાશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં ત્રણ પુરુષ મેડીકલ વોર્ડ કાર્યરત છે. જેમાં એક વોર્ડમાં ૫૦ દર્દીની સારવાર કરાય છે. ત્યારે તાવ, ઝાડા ઉલ્ટી અને ગરમીના કારણે બેભાન થવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસો કરતા રોજના ૧૫-૨૦ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતાઓ જોવાય છે. તેને પગલે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે સિવિલમાં નવા બે મેડીકલ વોર્ડ શરૂ કરાશે. હાલમાં એનઆઇસીયુ વોર્ડ ઉપર આવેલા અને ખાલી રહેલા વોર્ડમાં મેડીકલ વોર્ડ ઉભો કરવામાં આવશે. જ્યાં એક સાથે ૫૦ દર્દીઓને રાખવા શક્ય બની શકે છે. ત્યારે વોર્ડ હાલમાં બંધ જોવા મળતો હતો. પરંતુ હવે દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા તેમાં સફાઇ કરવામાં આવી રહી છે. પલંગ અને બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. બંધ રહેલા રૂમમાં સફાઇ બાદ જરૂરી ટેબલ, ખુરશી ગોઠવવામાં આવશે. ત્યારબાદ મેડીકલ વોર્ડના દર્દીઓને જરૂર પડશે તો નવા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં જો દર્દીને એડમીટની જરૂર ના હોય તો રજા આપીને બેડ ખાલી રાખવાનો આદેશ કરાયો છે. તેમ છતા જો દર્દી વધી જાય તો નવા વોર્ડમાં સારવાર કરવામાં આવશે.