“રણવીર કપૂર એના મનમાં શું સમજે છે?”રાજુ રદીએ તોપનું નાળચું રણવીર કપૂર તરફ વાળ્યું
“રણવીર પોતાને રણવીર સમજે છે.શાહરૂખ કે સલમાન સમજતો નથી” મેં રાજુ રદીને જવાબ આપ્યો.
“ ગિરધરભાઇ. હું એ જાણું છું.મને એ પણ ખબર છે કે રણવીર કપૂર અભિનેતા છે. મહાન ફિલ્મ અભિનેતા અને દંતકથારૂપ પૃથ્વીરાજ કપૂરનો પ્રપૌત્ર છે.મહાન શોમેન રાજકપૂરનો પૌત્ર છે. ચોકલેટી હીરો ઋષિ કપૂર અને યંગ હાર્ટથ્રોબ નીતુસિંહનો પુત્ર છે. એના ખાનદાનમાં બે ડઝનથી વધુ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક છે. રણવીર કપૂરની ડેબ્યુ ફિલ્મ સાંવરિયા હતી. જેમાં અનિલકપૂરની પુત્રી સોનમ તેની હીરોઇન હતી. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કરેલો હતે. છતાં બોકસ ઓફિસ પર ઉંધા મોંએ પછડાઇ હતી.” રાજુએ રણવીર કપૂરની જીંદગીના પૃષ્ઠો શેર કર્યા.
“ રાજુ. રણવીર કપૂર તેના અભિનય, ચહેરા પરની માસુમિયત અભિનય જગતમાં પોતાની છાપ છોડવામાં સફળ થયો છે.અભિનય ઉપરાંત દિપિકા પદુકોણે અને કેટરીના કૈફ સાથે ઇલુ લીલા માટે પણ જાણીતો છે. બંને સાથે લગ્ન સુધી વાત પહોંચી હતી. કદાચ પંજાબી પાપા ઋષિતપૂરને કૂંડીઓ પસંદ ન હતી.એમ તો ઋષિકપૂરને રણદ્વીપની લેવિશ લાઇફ સ્ટાઇલ વિષે ઇર્ષા, અણગમો હતો તે અંગે બખાળો પણ કરી ચૂક્યો હતો. કેમ કે, તે રાજકપૂરની કડકાઇ હેઠળ ઉછેરેલો હતો, જેમાં બહુ સ્પેસ ન હતી.”મેં રણવીર કપૂર ફાઇલ્સ ખોલી!! ( ડોન્ટ કમ્પેર વીથ કાશ્મીર ફાઇલ્સ!!!)
“ ગિરધરભાઇ. મહેશ ભટ નામનો ક્રિએટીવ અને માથાફરેલ ફિલ્મ સર્જક છે. તેણે પોતાની દીકરી પૂજા ભટ સાથે પ્રોલોંગ લિપલોક કિસિગ કરેલ. જો પુજા મારી દીકરી ન હોત તો તેની સાથે લગ્ન કર્યું હોત. ફિલ્મો કરતાં લગ્ન અને લગ્નેતર લફરા માટે ભટસાહેબ ફેમસ છે!!આલિયા નામની સુંદર અભિનેત્રીના પિતા છે.રણવીર કપૂર અને આલિયા ભટ લગ્નના લાકડાના લાડુ ખાવા જઇ રહ્યા છે. ન્યુઝ પેપરો બંનેના લગ્નની વાતોથી છલકાઈ રહ્યા છે. “ રાજુએ કહ્યું.
“રાજુ . લગ્નમાં જાતજાતની મનોરંજક વિધિ હોય છે. કન્યા અને વર પક્ષના લોકો લગ્નનો આનંદ લેવા વિવાહોત્સુક હોય છે. લગ્નની વિધિમાં થ્રીલ કે રોમાંચનું તત્વ ઉમેરવા ફટાણા-સ્પેશિયલ લગ્નગીત ગાતા હોય છે. મારી ભત્રીજીના લગ્નમાં વર પક્ષની વનિતાઓ ફટાણા ગાવાના ઉત્સાહમાં માંડવિયા બધા માંકડા ગાવાના બદલે જાનૈયા બધા માંકડા એવું ગાઇ બેઠી હતી. મેં તેમને પ્રામાણિક એકરાર કરવા અભિનંદન આપ્યા. અલબત, તત્સમયે તેમને ભૂલનો અહેસાસ થયો. વરપક્ષની વાંદરી સોરી વનિતાએ મ્લાન સ્મિત સાથે તેનો સ્વીકાર કરેલો. કન્યાની મા જમાઈનું માંડવિયે સ્વાગત કરતી સમયે- વરરાજાને પોંખતી સમયે બધી વિધિ સહિત નાક ખેંચવાની વિધિ કરે છે. લગ્નમાં આ પ્રકારના નિર્દોષ આનંદ-લુફ્ત ઉઠાવવાના હોય છે. તાજેતરમાં જામનગરમાં સાસુ ધ્વારા જમાઈનું નાક ખેંચવાની રસમ કરવાની ખેંચતાણમાં જાન લીલા તોરણે પાછી ગઇ હતી.
લગ્નમાં દુલ્હનની બહેનો વરરાજાના જુતા કે મોજડી ચોરે છે. બદલામાં વરરાજા એક રકમ સાળીઓને ચૂકવે છે. તદન નિર્દોષ રીતરસમ છે. ક્યારેક થોડી રસ્સાખેંચની જેમ માથાકૂટ થાય છે. અંતે છૂટાછવાયા બનાવોને બાદ કરતા પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે!!” મેં રાજુને વિગતવાર કહ્યું.
“ ગિરધરભાઇ.રણવીર કપૂરે આલિયાની બેનોના જૂતા ચોરવા માટે એક લાખ રૂપિયા આપવાનો છે. પાંચસો કે પાંચ હજારના જૂતા લાખ રૂપિયા આપવામાં કયું લોજિક છે? બક્ષિસ લાખની હોય પણ વ્યવહાર કોડીનો હોય! જૂતા ચોરવાનો વ્યવહાર હોય તો ચુકવણી પણ એ હિસાબે જ હોય? કરોડોની નેટવર્થ હોય એટલે વેડફી નાંખવાની? બીજું બધું તો ઠીક પણ અમારા જેવા મુફલિસનું વિચારવાનું નહીં??અમારા જેવાનું લગ્નનું બજેટ જ ત્રણ ચાર લાખ હોય. એ પણ તાણીતુંસીને ઉછાનાપાછીના-લોન લઇ લગ્ન કરતા હોય?? તેમાં જૂતા ચોરી માટે એક લાખ જેવી અધધધ રકમ લાવવાની ?? રણવીર કપૂર આપી જશે?”રાજુએ ચિંતા વ્યક્ત કરી!!
કહે છે કે લગ્નમાં સાળીને જૂતા ચોરી માટે એક લાખ રૂપિયા આપવાથી લગ્નનું બજેટ વધી જવાથી લગ્ન કરવાનું માંડી વાળ્યું !!!
– ભરત વૈષ્ણવ