ખાતાધારકોને પાસબુકમાં એન્ટ્રી પડાવવા થતા ધરમના ધક્કા : સ્ટાફની અછત કાયમી, અન્ય શાખામાં એન્ટ્રી પડાવવા જવાનું કહેવામાં આવતું
ભાવનગરઃ શહેરના ટેકરી ચોક ખાતે આવેલ એસબીઆઈ-આનંદનગર શાખાનો વહીવટ ખાડે ગયો છે. અહીં જાણે ઘરની ધોરાજી ચાલતી હોય તેમ પાસબુકમાં લગાડવામાં આવતા બારકોડ સ્ટીકર ખાલી થઈ ગયાનો કકળાટ છેલ્લા બે-ત્રણ માસથી ઉભો થયો છે. તેમ છતાં સ્ટાફને ગ્રાહકોની કઈ પડી જ ન હોય તેમ સ્ટીકર મંગાવવાની તસ્દી લેવામાં આવતી નથી. એસબીઆઈ-આનંદનગર શાખામાં સ્ટાફના અછતનો પ્રશ્ન કાયમી છે. ગ્રાહકો વધુ હોવા છતાં અહીં ઓછા સ્ટાફે ધકેલ પંચ્ચા દોઢસોની જેમ વહીવટનું ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. એસબીઆઈની આનંદનગર શાખામાં મોટાભાગના ખાતાધારક ગરીબ અને મધ્યમવર્ગના લોકો જ હોય, એક ધક્કે ભાગ્યે જ કામ આટોપી શકે છે. વળી, છેલ્લા બે-ત્રણ માસથી બારકોડ સ્ટીકર જેવી નજીવી વ્યવસ્થા કરવામાં પણ બેન્કનો સ્ટાફ પાંગળો પૂરવાર થયો છે. ગ્રાહકોને જમા-ઉપાડની વિગતો જાણવા માટે પાસબુકમાં એન્ટ્રી પડાવવી હોય તો નાકે દમ આવી જાય છે. એક તો નવી પાસબુક કાઢવામાં ૧૦થી ૧૫ દિવસનો ટાઈમ લગાડવામાં આવે છે અને નવી પાસબુક નીકળી જાય તો તેમાં બારકોડ સ્ટીકર મારવામાં આવતું નથી. જેના કારણે પાસબુક એન્ટ્રી મશીનમાં ગ્રાહક એન્ટ્રી પડાવા જાય તો એન્ટ્રી પડતી નથી. બારકોડ સ્ટીકર લગાડવા માટે બેન્કમાં સંપર્ક કરાઈ તો સીધા દોઢ-બે મહિના સુધી બારકોડ નહીં આવે તેવા જવાબ આપી અન્ય શાખામાં જઈ એન્ટ્રી પડાવી લેવાનું કહેવાઈ છે. ત્યારે અન્ય શાખાઓમાં નવી પાસબુક તુરંત જ કાઢી આપવામાં આવે છે, એન્ટ્રી પણ પાડી આપવામાં આવે છે. તો આનંદનગર શાખામાં શું ઘરની ધોરાજી ચલાવાઈ રહી છે ? તેવો પ્રશ્ન ગ્રાહકોમાં ઉદ્ભવ્યો છે. ગ્રાહકોની સુવિધા વધારવાની વાત તો અલગ રહી, બારકોડ સ્ટીકર હોય કે એન્ટ્રી પાડવાની વ્યવસ્થા હોય તેમાં પણ ગ્રાહકોને કડવો અનુભવ થઈ રહ્યો છે.
ગ્રાહકોને પડતી કાયમી મુશ્કેલીનો વહેલીતકે હલ લાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.