આપણા તંત્રો બીજું કંઇ કરે કે ના કરે પણ આ કામ અવશ્યપણે કરે છે. ના એવું કંઇ લોકહિતનું કામ નથી. જયાં પાણી ન હોય ત્યાં હેન્ડપંપ લગાવે છે. જયાં પાણી ન હોય ત્યાં ઓવરહેડ વોટર ટેન્કર બનાવે છે. પીવાનું પાણી નથી ત્યાં બાર કરોડ શૌચાલય બનાવ્યા છે. એકવાર માટે દસ લીટર પાણી વપરાય તો શૌચાલય વાપરવા માટે ચંદ્ર કે મંગળ પરથી ઇ-પાણી કે ડીજીટલ પાણી ડાઉનલોડ કરવું પડે. રોટલી ગુગલ પરથી ડાઉનલોડ થાય ત્યારે થશે!!
બીએસએનએલનું બીજું નામ ગઢ્ઢા ખોદ વિકાસ નિગમ હોવું જોઇએ. નગરપાલિકાએ ચકાચક રોડ બનાવ્યા હોય એટલે હીએસએનએલ, જીઇબી કે પાણીપુરવઠાવાળાને રોડ પર ખાડો ખોદવાની ખંજવાળ ઉપડે!! આપણને શરીરના ભાગમાં ખંજવાળ કે ચળ આવે તે ભાગ સુધી હાથ પહોંચે તો લોહીનો ટશિયો ફૂટે ફૂટે ત્યાં સુધી વલૂરી નાંખીએ.
જૂના જમાનામાં ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરો એમ કહેવાય છે. હવે રોડે રોડે ખાડા-ભૂવાના ડાયરા. બાર ગાઉએ બોલી બદલાય છે! પણ બાર ગાઉએ ખાડા બદલાય તે ખબર નથી!!!
આપણે કહેવત સાંભળી છે કે ખાડો ખોદે તે પડે. પણ શહેરોમાં ખાડો રોડવાળા, પાણીવાળા, ટેલીફોનવાળા, ગટરવાળા કે લાઇટવાળા ખોદે છે. આ ખાડામાં નિર્દોષ પ્રજા પડે છે અને હાડકા ખોખરા કરે છે. આમ, તંત્ર પ્રજાને ખાડામાં ઉતારે છે!!
ખાડા માટે ,ખાડા થકી કવિઓ સમૃદ્ધ થયા છે. કોઇ છોકરીના ગાલને ઉદેશીને નહીં પણ મહાનગરપાલિકાને સંબોધીને શાયર મુકુલ ચોકસી કહે છે,”પ્રેમ એટલે કે,
તારા (ગાલોના )ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો!
આટલા ખાડા કાવ્યો ખાડામાં નાંખ્યા પછી અમે કાંઇ ઝાલ્યા રહીએ? અમને થયું કે અમે પણ એક ખાડા કાવ્ય ઠપકારીએ છીએ
“ આમ,તો સાવ ભોળોભટાક લાગે છે,
લુચ્ચો ખાડો ૩૦૨ નો આરોપી લાગે છે”
એક સજ્જન ચોર ( અરે ચમકશો નહીં . ચોર સજ્જન હોય છે. બે નંબરના ધંધામાં એક નંબરની ઇમાનદારી હોય છે. કોઇ ચોકે દેવાળું ફૂંક્યું હોય તેવું સાંભળ્યું છે?? સજ્જનો નિશ્ચિતપણે ચોર હોય છે. સજ્જનો “હમ તો ડૂબેંગે સનમ તુમ્હે ભી ડુબાયેંગે” ની ઘાતક નીતિ અખત્યાર કરતા હોય છે!!!) નાની મોટી ચોરી કરવાનો પૂરક રોજગારી કરતો હતો. પીએમ સાધન સહાય યોજના હેઠળ સસ્તા વ્યાજના દરે ગણેશિયો લાવ્યો હતો.( ચાકીના કામમાં ગણેશ ભગવાનની કોઇ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ન હોવા છતાં ચોરી કરવા માટે દિવાલ કોચવાના સાઘનને ગણેશિયો કેમ કહેવાય છે તે આધ્યાત્મિક સંશોધન કરવાની આવશ્યકતા છે!!)ચોર ભઇલું ગણિત કે ઇજનેરી શાખાનો વિધાર્થી નહીં હોય!! ન્યુટનના કિસ્સો વાંચ્યો પણ નહીં . મહાન વૈજ્ઞાનિક ન્યુટને બે બિલાડી પાળી હતી. એક સાદી બિલાડી હતી અને એક એકસ્ટ્રા લાર્જ હતી. બંને બિલાડી ઘરમાં સરળતાથી અવરજવર કરી શકે તે માટે ન્યુટનના નાની બિલાડી માટે નાનું કાણું અને મોટી બિલાડી માટે મોટું કાણું રાખેલ હતું.બન્યું એવું કે નાની બિલાડી મોટા કાણામાંથી નિર્વિઘ્ને પસાર થઇ ગઇ. અપિતું, મોટી બિલાડી મોટા કાણામાંથી નીકળવાના બદલે નાના કાણામાંથી પસાર થવાનો અખતરો કર્યો અને નાના કાણાંમાં ફસાઇ ગઇ!!
પાપા રાવનો લઘુ કે કુટિર ઉધોગ કક્ષાનો ચોર.સરકારી સહાય મળેલી નહીં. નહીંતર અદાણી, અંબાણી કે વેદાન્તા કક્ષાનો વિશ્વચોર બનવાની પ્રોજવલ સુષુપ્ત શક્યતા રહેલી હતી.આંધ્ર પ્રદેશના શ્રી કાકુલમ જિલ્લાના જામી યેલમ્મા મંદિરમાં ચોરી કરવાના પ્રબળ ઇરાદા સાથે દિવાલ કોચીને ઘૂસ્યો હતો.તેણે ઇડરિયો ગઢ અડધો જીતી લીધો. કંપાસ, પરિકર, ફૂટપટી વગેરે લઇ ગયેલ નહીં. દીવાલનું ક્ષેત્રફળ,ત્રિજ્યા , વ્યાસ, પરિમિતિ કે વેન આકૃતિના કોયડાબોયડાનો તલસ્પર્શી અભ્યાસ કરેલો નહીં.દિવાલના બહારના છેડામાં બાકોરું પાડ્યું હશે. ત્યાં અંદર જવા માટે પૂરતી જગ્યા હતી એટલે જેમતેમ અંદર ઘુસ્યો હશે. ચોરી સફળ થયાની મગજમાં રાય કે હવા ભરાઇ હશે.
શરીર ફુગ્ગાની જેમ ફૂલ્યું હશે!! બહારની બાજુની સરખામણીએઅંદરની બાજુ ઓછી સાઇઝનું કાણું પડ્યું હશે. ગમે તે કારણ હોય, શક્ય છે કે માતાજીની વક્ર દ્રષ્ટિ જાતક-ચોર પર પડી હોય, ઉપર પણ ઇન્સ્ટન્ટ મેગીની જેમ ઇન્સ્ટન્ટ પનીશમેન્ટ સ્કિમ ( ઈઁજી)શરૂ થઇ હોય, ઇશ્વરી ન્યાય મોડો મળે છે તે ઇમેજ બદલવા માટે કલિન ઇમેજ એકસરસાઇઝ શરૂ કરી હોય તેના ભાગરૂપે ચોર ઘણું મથવા છતાં બાકોરામાંથી બહાર નીકળી શકયો નહીં !!પરિણામે પકડાઇ ગયો.
પછી શું??
બાળ વાર્તાના અંતે આવતા અંત જેવું જ થયું.ખાધું , પીધુંને જેલની ચક્કી પીસી!!
– ભરત વૈષ્ણવ