રોજગાર અધિકારીએ જિલ્લામાં 12 હજાર બેરોજગાર હોવાનું જણાવતા કોંગ્રેસે ખંડન કરી કહ્યુ- 50 હજાર બેરોજગારો છે
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇન લોંચ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ ચરણ “રોજગાર ક્યાં છે?” અંતર્ગત યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાવનગર જિલ્લાની રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે કાર્યકરોને અટકાવતા બંને વચ્ચે ખેંચતાણ થઈ હતી.
“રોજગાર ક્યાં છે?” કાર્યક્રમ અંતર્ગત યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા રોજગાર કચેરી ખાતે શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. રોજગાર ક્યાં છે? કાર્યક્રમ અંતર્ગત યુવક કોંગ્રેસ દ્વારા ખાનગી, સરકારી, અર્ધસરકારી મળીને રોજગાર આપતા કેટલા એકમો આવેલા છે? તેમજ કેટલા લોકોને રોજગારી મળી? જેમાં કેટલા સ્થાનિક યુવાનને રોજગારી મળી સહિતની આંકડાકીય માહિતી માંગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રદેશ પ્રભારી મહંમદ શાહિદજી અને ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ઉપસ્થિતમાં સૂત્રોચાર કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ બલદેવ સોંલકી, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ સંદિપસિંહ ગોહિલ સહિત આગેવાનો જોડાયા હતા. રોજગાર અધિકારી દ્વારા ભાવનગર જિલ્લામાં 12 હજાર બેરોજગાર હોવાનું જણાવતા કોંગ્રેસ દ્વારા તેનું ખંડન કરીને જણાવ્યું કે 50 હજાર કરતાં વધુ બેરોજગારો ભાવનગર જિલ્લામાં છે.