ગુજરાતની મહિલામાં તીવ્ર અસંતોષ છે, ભયંકર નારાજી છે. ગરમ પાણીની માફક મગજ ઉકળેલ છે. મરૂં યા મરૂં જેવી જેહાદી ભાવના છે. ઉપર ઉપરથી બધું પ્રશાંત છે, પણ ભીતર અસંતોષનો ચરૂં ઉકળેલ છે. સુષુપ્ત જ્વાલામુખી વિસ્ફોટ સાથે ક્યારે સક્રિય થાય તે અનિશ્ચિંત છે!!
આ બેનો એમની ગૃહસ્થી સંભાળી રહી છે, જવાબદારીમાં કોઇ બાંધછોડ કરતી નથી. ગૃહિણી તરીકેની જવાબદારી નિષ્ઠા અને ખંતથી બજાવે છે. રસોઇ કરે છે, કપડાં ધુએ છે, વાસણો માંજે છે.
બહેનોના કબાટમાં કપડાં ઠાંસોઠાસ ભર્યા છે, જેમાં ટ્રેડિશનલ અને વેસ્ટર્ન કપડાંની ભરમાર છે. સેલમાંથી નવા કપડાંની ખરીદી પણ થઇ રહી છે. સૌંદર્ય પ્રસાધનોની કોઇ કમી નથી. પફ, પાવડર, લાલી લિપસ્ટિક , રૂઝ, ક્રિમની કોઇ કમી નથી.નેકલેસ, એરિંગ્ઝ, બંગડી, પાટલા,માછલી વગેરેની કોઇ તંગી નથી. ટુકમાં મેના ભૂખી નથી, મેના તરસી નથી!!
મહિલાની નારાજગીનું કારણ શું છે? ભૌતિક રીતે કોઇ તકલીફ નથી!!!મહિલાઓ ખરીદી કરવા નીકળે, ટહેલવા નીકળે, કોઇને વળાવવા નીકળે, શાકપાંદડું લેવા નીકળે, બ્યુટી પાર્લર જવા નીકળે, સ્કૂલે ગયેલ છોકરાંવ લેવા નીકળે,નાયકે નીકળે, ગામતરે નીકળે, લગ્નમાં મહાલવા નીકળે, મિઠાઇ -નમકીન લેવા નીકળે, પાણી ભરવા નીકળે, દવા લેવા નીકળે ત્યારે પાણીપુરીની લારી જુએ એટલે પગ આપોઆપ અટકી જાય. માનો પગમાં સીસુ ભર્યું ન હોય! આંખો ચકળવકળ થાય. જીભ હોઠ પર ફરવા લાગે. એક વિરહીણી પ્રેમાનંદે જુએ અને જે સ્પંદનો નિષ્પન્ન થાય તેવી ઉર્મિઓ પાણીપુરી જોઇને અનુભવે. સગર્ભાને દોહદ થાય એવો પાણાપુરી ખાવાનો દોહદ થાય! પાણીપુરી ભૂરકી છાંટી હોય તેમ સંમોહનથી આપોઆપ ખેંચાઇ જાય.
પાણીપુરીને ગોલગપ્પા કહેવામાં આવે છે. પાણીપુરી તૂટ્યા વગર મોંમા પ્રવેશ કરે એટલે રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો હોય તેવી ગૌરવ , ગુમાન, ગરિમા અને ગર્વ અનુભવાય. પાણીપુરી મોંમાં ઠુસતાં પહેલાં તૂટી જાય અને પાણી કપડાં પર ઢોળાય એટલે બારે વહાણ ડૂબી ગયા હોય તેવી નૈરાશ્યપૂર્ણ અનુભૂતિ થાય!!જેમ સમરાંગણમાં ખાંડાના ખેલ ખેલવા ગયેલ ખેલૈયો રકતધારાથી અરધે તેમ પાણાપુરીઘેલીસુંદરીઓની ગૌર,સુડોળ કોણીપ્રદેશ હથેળી સુધી પાણીના રેગાડાથી દૈદિપ્યમાન ભાસતો હોય છે. મા પાણાપુરી ભવોભવ મળજો તેવા કાલાવાલા કરતી હોય છે!!
આવી પાણીપુરીપ્રેમી પદ્મિની પર પારાવાર સંકટના ઓળા ઊતરી આવ્યા છે. પાણાપુરી બનાવટમાં ઉતરપ્રદેશના જુદા જુદા શહેરોના કારીગરની માસ્ટરી છે. આ કારીગરો વતન ગયેલ હોઇ પાણાપુરીના ઉત્પાૌદનમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે. ઉત્પાદન અડધું થઇ ગયું છે.
પાણીપુરીના સ્વાદશોખીનો, ખાસ કરીને, મહિલાઓ માટે બહુ ચિંતાજનક સમાચાર છે! કારીગરો વતન ગયા હોવાથી મહિનાથી પકોડીની અછત સર્જાઈ છે અને હજી ૧૫ દિવસ સુધી અછત રહેવાની શક્યતા છે. આ કારણથી પકોડીના ભાવમાં પણ વધારો થયો છે. દહેગામમાં પાણીપુરીની પુરી (પકોડી) બનાવી હોલસેલમાં વેચતા ગૃહઉદ્યોગો આવેલા છે. તેઓ તૈયાર પકોડી દહેગામ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાનના ડુંગરપુર અને બાંસવાડા સુધી પકોડી પૂરી પાડે છે.
દહેગામમાં પાણીપુરી બનાવનારા મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની સરહદના ભીંડ, જાલોન, દતિયા, ગ્વાલિયર જેવા જિલ્લાના કારીગરો હોય છે. ૨ વર્ષના કોરોનાકાળ બાદ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલતાં ચાલુ વર્ષે દહેગામમાં પકોડી બનાવતા કારીગરો અને શ્રમિકો લગ્નપ્રસંગે વતનમાં ગયા હોવાથી એક માસથી પકોડીની અછત સર્જાઈ છે.
કારીગરોની અછતના કારણે દૈનિક ૫ હજાર પુરી બનાવતા લોકો ઘરની મહિલાઓની મદદથી માંડ ૨થી ૩ હજાર પુરી બનાવે છે, જેથી હોલસેલમાં પૂરતો જથ્થો સપ્લાય કરી શકતા ન હોવાનું પાણીપુરી પકોડી બનાવતા જિતેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું. વધુમાં પકોડીની અછત ૧૦ તારીખ સુધી રહેશે, તેમ જણાવ્યું હતું.
પકોડીનાં દૈનિક ૫૦થી ૬૦ પેકેટની જરૂર હોય છે પરંતુ તેની સામે તેમને માંડ ૨૦થી ૩૦ પેકેટ મળે છે, જેથી અસંખ્ય ગ્રાહકોને પરત ફરવું પડે છે. પૂરતા કારીગરો હાજર હતા તે સમયે હોલસેલમાં ૪૦થી ૪૫ની ૧૦૦ નંગ પકોડીનું વેચાણ થતું હતું, અત્યારે એ પેકેટના ૫૦થી ૫૫ રૂપિયાના ભાવે વેચાણ થાય છે.
પાણીપુરીની તંગીથી ગૃહિણીઓ કાયી થઇ છે. પાણીપુરીવાળા ભૈયા પુરી આઉટ ઓફ સ્ટોકના પાટિયા લગાવી ચુકયા છે. કોરોનારાળમાં બીડી, સિગારેટ, ગુટકા , માવા, મસાલા, ફાકીના કાળાબજાર થતા તેમ પુરીના બ્લેક થવા માંડ્યા !!
હવે નારી ગાય છે “પાણીપુરી ખાવા ગઇ તી મોર સહિયર, પાણીપુરી ના મળી મોરી સહિયર”
મહિલા કહે છે “નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢું રે પાણીપુરિયા. પાણીપુરી રટતે રટતે બીતી રે ઉમરિયા!!”
– ભરત વૈષ્ણવ