કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને ભાજપમાં લવાશે : હાર્દિક પટેલ

31

યુવા નેતા હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ પહેલા ટિ્‌વટમાં લખ્યું હતું કે, ’રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓ સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં એક નાનકડો સિપાહી બનીને કામ કરીશ.’ ભાજપના અનેક કાર્યકરોએ હાર્દિકના ભાજપમાં પ્રવેશ મુદ્દે આનંદ વ્યક્ત કર્યો છે. તેના અનુસંધાને ગાંધીનગર સ્થિત ભાજપા કાર્યાલયની બહાર પોસ્ટર્સ લગાવીને હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.પત્રકારો સાથેની વાતચીત દરમિયાન હાર્દિકે પોતે આજે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. પાર્ટીમાં પોતે એક અદના સૈનિક તરીકે કામ કરશે. દર ૧૦ દિવસે એક કાર્યક્રમ યોજશે જેમાં કોંગ્રેસથી નારાજ હોય તેવા ધારાસભ્યો સહિતના લોકોને ભાજપમાં સામેલ થવા માટે કહેવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં હાર્દિકે સમગ્ર વિશ્વને વડાપ્રધાન મોદીનું ગૌરવ છે તેમ પણ જણાવ્યું હતું. અગાઉ હાર્દિકે કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો કરતા કહ્યું હતું કે, ’જ્યારે ૭૫ વર્ષના કપિલ સિબ્બલ સાહેબે કોંગ્રેસ છોડ્યું, ૫૦ વર્ષના સુનીલ જાખડે પાર્ટી છોડી ત્યારે ચિંતા થવી જોઈએ કે, તમારી શું ભૂલ છે. આ નેતાઓએ પાર્ટીને ઘણો લાંબો સમય આપ્યો છે. રાહુલ ગાંધીની આજુબાજુના ૨-૪ લોકો કહેતા હોય છે કે, જે જાય છે તેને જવા દો, કોઈ ફરક નહીં પડે. મારૂં એવું માનવું છે કે, જ્યારે કોઈ પાર્ટી છોડીને જાય ત્યારે ફાયદા કરતા નુકસાન વધુ થાય છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ મજબૂત અને જમીન સાથે જોડાયેલા નેતાઓને શા માટે જવા દે છે.’

Previous articleયુવા નેતા હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ
Next articleકોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં નહીં જોડાય : લલિત વસોયા