પશ્ચિમી અને મધ્ય આફ્રિકાથી શરૂ થયેલો મંકીપૉક્સનો ખતરો હવે બહાર સુધી ફેલાઈ ગયો, હાલ યુરોપ પણ મંકીપૉક્સના ખતરાનું કેન્દ્ર બન્યું
લંડન, તા.૩
મંકીપૉક્સના સંક્રમણ વિશે વાત કરતા ડબલ્યુએચઓએ જણાવ્યું કે મંકીપૉક્સ લગભગ ૩૦ દેશોમાં ફેલાઈ ગયો છે અને ૫૫૦ કરતા પણ વધારે કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. હવે એવું કહેવું થોડું મુશ્કેલ હશે કે મંકીપૉક્સ વાયરસ પર નિયંત્રણ મેળવી શકાય છે કે નહીં? ડબલ્યુએચઓના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે મંકીપૉક્સ વાયરસ પર નિયંત્રણ મેળવી શકાય છે અને તે ફેલાતો રોકી પણ શકાય છે. ડબલ્યુએચઓના યુરોપ કાર્યાલયના પ્રમુખના જણાવ્યા મુજબ, અમને હજુ સુધી એ વાતની જાણ નથી કે શું મંકીપૉક્સ ફેલાતો સંપૂર્ણ રીતે અટકાવી શકાય કે નહીં? સ્વાસ્થ્ય અધિકારીઓએ મંકીપૉક્સના ખતરાને ઓછો કરવા માટે મહત્વપૂર્ણ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. તેઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમી અને મધ્ય આફ્રિકાથી શરૂ થયેલો મંકીપૉક્સનો ખતરો હવે બહાર સુધી ફેલાઈ ગયો છે. હાલ યુરોપ પણ મંકીપૉક્સના ખતરાનું કેન્દ્ર બન્યું છે. મંકીપૉક્સની શું સ્થિતિ છે તેની ઝડપથી તપાસ કરવી જોઈએ અને તેના પર નિયંત્રણ મેળવવા માટે ઝડપી ગતિએ કાર્ય કરવું જોઈએ. અત્યાર સુધીના રિપોર્ટના આધારે એવું કહી શકાય છે કે મંકીપૉક્સનું સંક્રમણ યૌન ગતિવિધિઓના માધ્યમથી ફેલાઈ રહ્યું છે.
મંકીપૉક્સથી સંક્રમિત થઈ રહેલા મોટાભાગના લોકોમાં પુરુષ સાથે યૌન સંબંધ રાખનાર પુરુષ સામેલ છે. પરંતુ, હજુ સુધી એવું પણ સ્પષ્ટ નથી કે શું મંકીપૉક્સ વાયરસ વીર્ય અથવા યોનિના તરલ પદાર્થના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે કે નહીં? વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, વર્ષ ૧૯૭૦માં પહેલી વખત મનુષ્યોમાં મંકીપોક્સનો કેસ સામે આવ્યો હતો. તે પછી આફ્રિકાના ૧૧ દેશોમાં તેની પુષ્ટી થઈ ચૂકી છે. ડબલ્યુએચઓનું માનીએ તો, મંકીપોક્સના લક્ષણ ૬થી ૧૩ દિવસમાં દેખાવા લાગે છે, જેમાં તાવ આવવો, સખત માથું દુખવું, પીઠ અને માંસપેશીઓમાં દુખાવાની સાથે અતિશય નબળાઈ સામેલ છે. સંક્રમિત વ્યક્તિના શરીર પર મોટા-મોટા દાણા નીકળે છે. હાલ તેની કોઈ સચોટ સારવાર ઉપલબ્ધ નથી. પરંતુ, અછબડાની વેક્સીનને મંકીપોક્સ સામે અસરકારક મનાય છે. તાજેતરના મામલામાં મુખ્ય રીતે સજાતીય સંબંધ ધરાવતા પુરુષ સામેલ છે. યુકેએચએસએના ચીફ હેલ્થ એડવાઈઝર સુસાન હોપકિંસએ કહ્યું હતું કે, અમે સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી અને સલાહ આપવા માટે કેસોને નજીકથી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મંકીપોક્સની ઝપેટમાં આવનારા મોટાભાગના દર્દીઓ થોડા સપ્તાહમાં જ સાજા થઈ જાય છે. આ બીમારી દુર્લભ કેસમાં જ ઘાતક સાબિત થાય છે. આ બીમારીએ તાજેતરના કેટલાક વર્ષોમાં મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં હજારો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. પરંતુ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં તે એટલી ઘાતક સાબિત થઈ નથી.