ભાવનગરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતાની દીકરીએ ટ્યુશન વિના ભણીને બે વિષયમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા

74

વિધિ ડાંખરાએ કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસ કે એક્સ્ટ્રા ક્લાસીસ વિના જાતમહેનતે સફળતા મેળવી. વિધિએ 99.94 પર્સન્ટાઇલ મેળવ્યા, હવે BCA કરવાની ઈચ્છા
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગરની વિધિ ડાંખરા હીરાની જેમ ઝળકી છે. હીરાના વ્યવસાયા સાથે સંકળાયેલા પિતાની પુત્રીએ ધો.12માં ટ્યુશન વિના ભણીને બે વિષયમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા છે. જેને હવે BCA કરવાની ઈચ્છા છે. ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં રહેતા અને હીરાનો નાનો મોટો વ્યવસાય કરતા મુકેશભાઈની દીકરી વિધિ ડાંખરાએ કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસ રાખ્યા વિના અને કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ક્લાસીસ વિના જ શાળાએથી અપાતા શિક્ષણના સથવારે અને જાત મહેનતે એ વન ગ્રેડ સાથે સિદ્ધિ મેળવી છે. વિધિ બાળમંદિરથી જ સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરે છે. શાળાએથી શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણમાં તે ધ્યાનથી અભ્યાસ કરે છે અને ત્યારબાદ ઘરે આવ્યા પછી તેનું સંપૂર્ણ રિવિઝન કરે છે. શાળા તરફથી આપવામાં આવતા તમામ એસાઈમેન્ટ તે સમયસર પુરા કરે છે. શાળાએ 12થી 5 દરમિયાન તે અભ્યાસમાં સંપૂર્ણ મન પરોવી અને અભ્યાસ કરે છે.

બાદમાં શાળાએથી ઘરે આવ્યા બાદ પ્લાનિંગ સાથે રોજનું 8થી 9 કલાકનું રીડિંગ કરે છે. વિધિનેને ટીવી જોવાનો શોખ ખરો, મોબાઇલનો જોવાનો પણ શોખ ખરો, પરંતુ તેનું પણ તેને ટાઈમિંગ ફિક્સ કરી લીધેલું છે. સાંજનું ભોજન લેતા લેતા જ તે ટીવી જોઈ લે છે અને મોબાઈલ તો તે માત્ર અભ્યાસલક્ષી કામગીરી માટે જ ઉપયોદ કરે છે. સાથે સાથે વિધિને ડાયરી લખવાનો પણ શોખ છે. દિવસ દરમિયાનની ગતિવિધિઓ ડાયરીમાં નોંધ કરે છે. વિધિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેના પરિવાર તરફથી તેને કોઈપણ પ્રકારનું અભ્યાસ માટે દબાણ કરવામાં આવતું ન હતું. કોઈપણ પ્રકારના દબાણ વગર પોતાની જાત મહેનતે તેણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવ્યો છે. ત્યારે તે અન્ય વિદ્યાર્થી અને વાલીઓને પણ સંદેશ આપે છે કે, તેમના બાળકોને અભ્યાસ માટે ખોટું દબાણ ન કરવું જોઈએ.
હવે BCA કરવાની ઈચ્છા
વિધિ અભ્યાસમાં પહેલેથી જ હોશિયાર હોવા છતાં પણ તેમના પરિવારના કોઈ સભ્યને તેને વિજ્ઞાન પ્રવાહ માટે દબાણ કર્યું ન હતું. તેને પહેલાથી જ કોમર્સમાં રસ હોય તેને એકાઉન્ટના વિષયો સાથે કોમર્સ કર્યુ અને આજે જેને લઇ તેને એકાઉન્ટના વિષયોમાં 99 માર્કસ મેળવ્યા છે. વિધિના પરિવારજનોની ઈચ્છા છે કે. વિધિ સીએ બને પરંતુ વિધિને બીસીએ કરવુ છે અને બેન્કિંગ સેક્ટરમાં જવાની ઈચ્છા છે. જેને લઇને તેમના પરિવારજનોએ પણ આ માટે તેને સંમતી આપી છે.

Previous articleભાવનગરમાં ધોરણ – 12 સામાન્ય પ્રવાહનું 93.09 ટકા પરિણામ આવ્યું, A1 કેટેગરી માં 151 વિદ્યાર્થીઓ પાસ થયા
Next articleમહુવામાં હવામાં ગોળીબાર : અટકાવવા ગયેલી પોલીસને પણ નિશાને લેવાઈ !