મહુવામાં હવામાં ગોળીબાર : અટકાવવા ગયેલી પોલીસને પણ નિશાને લેવાઈ !

62

ગાંધીબાગ ચોકમાં કારમાં સવાર થઈ આવેલા શખ્સે એક પછી એક ત્રણ ગોળીઓ છોડી, સદ્‌નસીબે કોઈને ઈજા નહી : ફાયરીંગ કરનાર શખ્સને પકડી પાડવા પોલીસની દોડધામ
ભાવનગર શહેર અને જિલ્લામાં અપરાધી તત્વો બેખોફ બન્યા છે અને મન પડે ત્યારે ઈચ્છી તેની પર હુમલા કરવાની ઘટના વધી છે તેમાં પણ છેલ્લા બે માસમાં ફાયરીંગની ઘટનાઓ પણ સામે આવતી જાય છે દોઢ માસ પૂર્વે શહેરની સવાઈગર શેરીમાં ફાયરીંગ કરી ડબલ મર્ડર થયાની ઘટનાની છે ત્યાં તળાજામાં પાંચેક દિવસ પૂર્વે પિતા પુત્ર પર ગોળીબાર કરી યુવાનનું ઢીમ ઢાળી દેવાયુ હતું. આ બનાવ હજુ ભુલાયો નથી ત્યાં આજે મહુવામાં એક શખ્સે હાર્દસમા ગાંધીબાગ ચોકમાં ધડાધડ ફાયરીંગ કર્યા હતા આ સમયે તેણે પકડવા પોલીસ ગઈ તો તેને પણ નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરીંગ કરી આ શખ્સ હવામાં ઓગળી ગયો હતો. આ ચકચારી બનાવની પ્રાથમિક વિગતો સામે આવી છે જે મુજબ આજે બપોરના સુમારે મહુવાના ગાંધીબાગ ચોક વિસ્તારમાં એક શખ્સ કાર લઈને આવ્યો હતો અને કોઈ કારણોસર પોતાની પાસે રહેલ પિસ્તલ જેવા હથિયારમાંથી હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ બનાવ ગાંધીબાગ પોલીસ ચોકીની સામે જ બન્યો હતો. આથી પોલીસ તેને પકડવા દોડી હતી. પરંતુ આ શખ્સ લાજવાના બદલે ગાજ્યો હતો અને પોલીસને પણ નિશાને લઈ વધુ એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે આ ગોળીબારમાં પોલીસ કર્મચારી કે અન્ય કોઈને ઈજા સદ્‌નસીબે ઈજા પહોચી નથી. આ બનાવથી મહુવા સહિત જિલ્લાભરમાં ભારે ચકચાર મચી છે. જાહેરમાં ગોળીબાર અને પોલીસને પણ નિશાને લેવાતા અપરાધી તત્વોમાં પોલીસનો ખોફ નહી હોવાનું દિન-પ્રતિદિન જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર કડક હાથે કામ લઈ અપરાધી તત્વોને પોતાની ભાષામાં સમજાવે તેમ લોક ઈચ્છી રહ્યા છે. મહુવાની ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Previous articleભાવનગરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતાની દીકરીએ ટ્યુશન વિના ભણીને બે વિષયમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા
Next articleવલભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીની પુત્રી માનવીબાનો આજે જન્મદિવસ