કેટલાક લોકો એકલા રહી શકતા નથી. એકલતા ઉધઇની જેમ ખાઇ જાય છે. એકલતા દૂર કરવા પુસ્તકો-સામયિકનું વાંચન કરવુ્, મનગમતું સંગીત સાંભળવું. ફૂટપટીની મદદ વિના સીધી લીટી દોરવી વગેરે પ્રવૃતિ હાથ ધરી શકાય. જો કે, એ બધાથી ખાલીપો-રિકતતાને સંપૂર્ણ દૂર કરી શકાય નહીં. એકલતા દૂર કરવા મિત્ર કે સખીને બોલાવી શકાય.એને પણ ઘરબાર કે કામધંધા ધાપા હોય!! એકલા લોકો ઉંઘી ઉંઘીને કેટલું ઊંધે? ઘણા લોકો ઘોડા વેચીને ઘસઘસાટ ઊંધી શકે છે!!! મહદ્અંશે લોકો અનિંદ્રાનો શિકાર બનેલા હોય છે. ઊંઘવાની ગોળી બેઅસરદાર કે બિનઅસરકારક રહે છે!!!!
પતિ દૂરના સ્થળે નોકરી કરતો હોય, બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય તો સ્ત્રી એકલતા દૂર કરવા કોઇ પ્રાણી પાળે. મોટેભાગે પેટ એનિમલ તરીકે કૂતરા પાળવામાં આવે. ઘણા લોકો બિલાડી, કાચબા, પોપટ પાળે છે. ઘણા વિરલાઓ સિંહ પણ પાળે છે.ઘરના દરવાજે “ મ્ીુટ્ઠિી કર્િદ્બ ર્ન્ૈહ” લખવાનું!!કૂતરાંને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે છે! અલગ બેડ, કપડાં, એસી રૂમમાં રહેવાનું મળે. પોચા સોફામાં આળોટવાનું.મન પડે તો સૌમ્ય અવાજે પરમિટેબલ ડેસિબલની લિમિટમાં ભસવાનું . નહીતર માથું ઢાળી આંખ મીંચી પડ્યું રહેવાનું. દુનિયા ઝખ મારે છે!!
ઘરવાળી કૂતરાંને એટલી પપ્પી કરે કે ગોરધનને ઈર્ષાની હેડકી આવે. તે વિચારે કે ગોરધન થવા કરતાં ડોગી થવું સારૂં!!!
પેટ ડોગની સારવાર, કાળજી રાખવી એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી બાબત છે. મોટા શહેરોમાં કૂતરાંની કલિનિક-હોસ્પિટલ, ડોગ કેર સેન્ટર, ડોગ હોસ્ટેલ વગેરે સવલતો ઉપલબ્ધ હોય છે!!
જે લોકો પેટ એનિમલ પાળે છે તેમાંના મોટા ભાગના લોકો માબાપને ઘરનું સુખ આપવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે લાચાર માબાપને વૃધ્ધાશ્રમ પાળે છે.- એ સમાજનું અણગમતું નગ્ન સત્ય છે!!!
કૂતરા પાળવાનું પણ જોખમી છે. જે કામ સરકાર માઇબાપ ન કરી શકે તે કામ તમારો ડોગી કરાવી દે. તમને મારા પર વિશ્વાસ નથી? હમણા ખારવીર( એમની અટક પરથી લોકોને તેમના પર કેટલો ખાર હશે તેની ખબર પડે છે. તેમના પર એટલો બધો ખાર હોવા છતાં એ નરવીર ખારવીર પણ છે બોલો? શું બોલે ? કંકોડા.) તેમના પત્ની સાથે એક સ્ટેડિયમ ખાલી કરાવી કૂતરા સાથે એક હસીન શામ કો નજારો માણવા ગયેલા અને કોઇ રાષ્ટ્રદ્રોહીએ બિનઅંગત પળોને વીડીયો વાઇરલ કરી દીધો અને બે સનદી અધિકારી પતિ-પત્નીની- દો હંસો કા જોડા બિછડ ગયો રે ગજબ ભયો રામ જુલમ ભયો રે ગીત ગાવાની સ્થિતિ સર્જાઇ!!
કૂતરા કે અન્ય પેટ ડોગ ઓફ લાઇન લેવા સારા . નહીંતર લેવાના દેવા થઇ જાય છે! પછી ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે તેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ સર્જાય છે!! હમણા એક યુવતીની વાટ લાગી ગઇ.
તે બેન પાછી મોટી વૈજ્ઞાનિક અને પીઆરએલમાં જોબ કરતી હતી. તેને ગલૂડિયું લેવું હતું. તેણે આ મતલબની ઓનલાઇન જાહેરાત ફેસબુક કરી. તેને ચીનના શાહુકાર ભટકાઇ ગયા. ટુકડે ટુકડે ગેંગની જેમ ચીટર ગેંગે કટકે કટકે બે લાખ ચોસઠ હજાર રૂપિયા તે પણ ઓનલાઇન ભરાવ્યા. પછી યુવતીને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લું. ગોળી ગઇ ને ગોફણ પણ ગઇ!! તે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જોઇએ શું થાય છે? ઓફલાઈન ગલૂડિયા ખરીદ કર્યા હોત તો ગલૂડિયાંની ફૌજ મળી હોત!!
મેં આ કિસ્સો રાજુ રદીને કહ્યો! રાજુ કહે ,”ગિરધરભાઇ આ બેનો કાંખમાં છોકરૂં હોય અને ગામમાં ઢંઢેરો શું કામ પીટતા હશે?
લગ્ન કર્યા પછી મોટા ભાગની ઘરવાળીને ગોરધન વાંદરો, કૂતરો, પાડો, ડુક્કર, ભૂંડ, ગધેડો એવું બધું અલગ અલગ સમયે વાગતો હોય છે. ઘરમાં પ્રાણી સંગ્રહાલય કે પ્રાણીઘર કે ઝૂ હોય તો નાહક બહાર પેટ એનિમલ લેવા હવાતિયા મારતી હશે?? ગોરધનને પાળે એ કૂતરો પાળ્યા બરાબર કે વધું છે!!!”
“ હેં હેં હે હેં રાજુ?” આ મારો ગગડેલો પ્રતિભાવ
– ભરત વૈષ્ણવ