સુબીર, છાપી, અલારસ કેન્દ્રનું પરિણામ ૧૦૦ ટકા : ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું ૫૬.૪૩ ટકા : વધારે પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ રહ્યો છે
ગાંધીનગર, તા.૪
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. આ વર્ષે પરીક્ષા આપનારા કુલ ૮૬.૯૧ ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. વિધાર્થીઓ બોર્ડની વેબસાઇટપર પોતાનો રિસિપ્ટ નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકે છે. આ પહેલા બોર્ડ તરફથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૬.૯૧ ટકા જાહેર થયું છે. જેમાં સુબીર, છાપી, અલારસ કેન્દ્રનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જ્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું ૫૬.૪૩ ટકા આવ્યું છે. આ વર્ષે સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લો ડાંગ રહ્યો છે. ડાંગ જિલ્લાનું પરિણામ ૯૫.૪૧% રહ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા રહ્યો છે. વડોદરાનું પરિણામ ૭૬.૪૯% રહ્યું છે. આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૦૬૪ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ૧૨ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. આજે સવારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટhttp://gseb.org/ પરથી જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ૬ જૂનના રોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે.બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં ૩,૩૭,૫૪૦ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૩,૩૫,૧૪૫ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ૨,૯૧,૨૮૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૮૬.૯૧% ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૩૨,૧૪૩ ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી ૩૦,૦૧૪ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૧૩,૬૪૧ ઉમેદવાર સફળ થયા છે. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૪૫.૪૫ % આવ્યું છે.આ પરીક્ષામાં ૨૨,૧૬૧ ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી ૨૦,૧૮૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી ૯,૮૭૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ ૪૮.૯૨ % આવ્યું છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૨૪,૫૬૭ ઉમેદવારો નોધાયેલા હતા, તે પૈકી ૨૨,૮૫૧ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાંથી ૧૦,૭૦૦ ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૪૬.૮૩% આવ્યું છે.