મુંબઈ, તા.૪
જ્યારે ચારેતરફથી લોકો તમારા વિશે નકારાત્મક વાતો કરી રહ્યા હોય ત્યારે સખત મહેનતથી કઈ રીતે જીત મેળવવી અને તેમને ખોટા સાબિત કરી બતાવવા તેનું હાર્દિક પંડ્યા ઉત્તમ ઉદાહરણ છે. નબળા પર્ફોર્મન્સના કારણે મૂળ વડોદરાના ઓલ-રાઉન્ડર ક્રિકેટરને આઈપીએલ ૨૦૨૨માં (આઈપીએલ ૨૦૨૨) મુંબઈ ઈન્ડિયન્સ ટીમે જગ્યા આપી નહોતી. જો કે, તેને હોમ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરવાની તક મળી અને તેણે ટીમને ચેમ્પિયન બનાવી. ગત રવિવારે અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ૭ વિકેટથી રાજસ્થાન રોયલ્સને હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વ અને તેના જુસ્સાને સૌ વખાણી રહ્યા છે. તેને સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચોની ટી૨૦ સીરિઝમાં (ભારત વિ. સા.આફ્રિકા ટી૨૦) ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. ક્રિકેટરનું કહેવું છે કે, ફેન્સને આ સીરિઝમાં જૂનો હાર્દિક પંડ્યા જોવા મળશે. ગુજરાત ટાઈટન્સના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાર્દિક પંડ્યાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ટીમમાં કમબેક વિશે વાત કરી રહ્યો છે. આ વિશે તેણે તેમ પણ જણાવ્યું છે કે, ટી૨૦ વર્લ્ડ કપ બાદની મેચોમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર કરાયો તે વાત ખોટી છે. હકીકતમાં તેણે જ લોન્ગ બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.હાર્દિક પંડ્યા વીડિયોમાં કહી રહ્યો છે કે, ’મોટાભાગના લોકો નથી જાણતા કે, મેં બ્રેક લીધો હતો. તે મારો નિર્ણય હતો. લોકોમાં ગેરમાન્યતા છે કે મને બહાર કરવામાં આવ્યો હતો. તમને ત્યારે બહાર કરવામાં આવે છે જ્યારે તમે ઉપલબ્ધ હો. હું બીસીસીઆઈનો આભાર માનું છું, જેમણે મને આટલો લાંબો બ્રેક આપ્યો અને કમબેક માટે દબાણ કર્યું નહીં’. વધુમાં ક્રિકેટર કહ્યું જૂનો હાર્દિક પાછો આવશે. હવે ફેન્સ પણ પાછા આવ્યા છે, આ મારો કમબેક કરવાનો સમય છે. ઘણી બધી મેચ રમવાની છે અને હું તે દિશામાં જોઈ રહ્યો છું. મેં મારી ફ્રેન્ચાઈઝી માટે જે કર્યું તે જ મારા દેશ માટે કરી શકું તેની ખાતરી કરીશ. જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ આઈપીએલ ૨૦૨૨ની ૧૫ મેચમાં ૪૪.૨૭ની સરેરાશથી ૪૮૭ રન બનાવ્યા હતા, જેમાં ૪ હાફ સેન્ચુરી સામેલ હતી. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી હતો. બોલિંગમાં પણ તેણે સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. ૨૭.૭૫ની એવરેજથી તેણે આઠ વિકેટ ઝડપી હતી.