બન્ને આરોપી પાસેથી ૧-૧ પિસ્ટલ, ૪ કારતુસ, સ્વિફટ કાર ઝપ્ત
મહુવામાં ધોળા દિવસે શહેરના હાર્દસમા વિસ્તારમાં ફાયરિંગ કરી દહેશત ફેલાવનારા બંન્ને ઈસમોને પોલીસે ઝડપી લીધાં છે. આ શખ્સો પાસેથી પોલીસે એક-એક પિસ્ટલ કબ્જે લીધી છે.બન્ને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.પોતાને મહુવાના ડોન સાબિત કરવા લોકોમાં પોતાનો રોફ જમાવવા ફાયરિંગ કર્યું હતું. મહુવાના હાર્દસમા ગાંધીચોક વિસ્તારમાં ગઈકાલે બપોરના ૧૨.૨૦ કલાકના અરસામાં બે અજાણ્યા શખ્સોએ પોલીસ ચોકીની સામે જ બંધ પડેલા કોર્ટ બિલ્ડિંગ પર ધડાધડ ફાયરિંગ બાદ તે શખ્સોને અટકાવવા જતી પોલીસ પર પણ એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બનાવના પગલે મહુવા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો મહુવા દોડી ગયો હતો. પોલીસે ફાયરિંગ કરનારા લાલજી ઉર્ફે લાલો માધુભાઈ મકવાણા (ઉ.વ.૨૩) અને રામ જયેશ ઉર્ફે જપન મકવાણા (ઉ.વ.૨૪)(બંન્ને રહે. નેસવડ)ને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ બંન્ને પાસેથી મેઈડ ઈન ઈટલી પિસ્ટલ નંગ-૨ અને ૪ નંગ જીવતા કાર્ટિસ કબ્જે લીધાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર પોતાને મહુવાના ડોન સાબિત કરી લોકોમાં રોફ જમાવવા તેમણે પોલીસ ચોકી સામે ફાયરિંગ કર્યું હતુ. અગાઉ પણ ગુનાના કઃમે તેઓ જેલ જઇ આવ્યા છે.જ્યારે તેઓ આ પિસ્ટલ ક્યાંથી લાવ્યા તે આગળની પોલીસ તપાસમાં ખુલશે.