ઘણા દિવસના વિલંબ પછી બાર્બેકયુની સગડીમાં ધૂંધવાતા કોલસાની જેમ આગબબુલા થઇને રાજુ રદી મારા ઘરે સ્કાયલેબની જેમ ખાબક્યો!!!
“આ દુનિયા રસાતાળ જવા બેઠી છે” રાજુ રદીએ મંગળ ગ્રહ જેટલો અને જેવડો નિસાસો નાંખ્યો!!
“ રાજુ. હવે તો યુક્રેન-રશિયાના યુધ્ધમાં મિસાઇલો ફૂટતી નથી. ચાંદલિયા અને લવિંગિયા ફૂટે છે!!” મેં રાજુને કહ્યું.
“તમે કંઇક સમજો યાર!” રાજુએ અકળામણ વ્યક્ત કરી.
“ રાજુ રણવીર કપૂર-આલિયાનુ્ ગોઠવાઇ ગયું! હજુ તું મોસ્ટ એલિજેબલ કુંવારો બાકી રહી ગયો તેનો બળાપો છે?” મેં રાજુ રદીની દુખતી નસ પર હાથ મુકી દીધો!!
“ ગિરધરભાઇ છોકરા-છોકરી મુગ્ધ હોય, આત્મ મુગ્ધ હોય તે તો સમજ્યા !! ગમે ત્યાં છોકરી પર પર્સ ખોલી ચહેરાનો મેઇકઅપ સરખો કરે,હલકી લિપસ્ટિક કરી લે. પછી મોબાઇલ કાઢી ધડાધડ સેલ્ફી લઇ લે અને ઇન્સ્ટા કે એફબી પર પોસ્ટ કરી દે એ પક્ષ સમજ્યા .પણ સ્વમૌગ્ધ્યમાં આવો ઘાતક નિર્ણય લેવાનો??” રાજુએ વેધક સવાલ પૂછ્યો.
“ રાજુ. તારું દર્દ સાચું છે. લગ્નની રાહમાં કોડીલા, કામણગારા, સૂચિત કંથ કનિયારત્ન કે કન્યાકોગીનૂર સંપ્રાપ્ત ન થવાના ફળસ્વરૂપે ઘરડા થઇ જાય!! જોશો કુંવારો મરે. તેની પાછળ લીલ પરણાવવી પડે. આ બધું કેટલું કરૂણ કહેવાય !!” મેં વહેતી ગંગામાં હાથ ધોઇ નાંખ્યા.!!
“ ગિરધરભાઇ જેનું નામ બિંદુ હોય. બિંદુ એટલે ટુકુટચ ટપકું. બિંદુએ જીંદગીભર બિંદુ થોડું રહેવાનું હોય?? બિંદુમાંથી કિરણ, કે રેખા ન થવાનું હોય!!” રાજુના સવાલોમાં આક્રોશની માત્રા વધી.
“ રાજુ. લગ્ન બે આત્માનું મિલન છે. લગ્નનો જોડા ( કજોડા પણ) ઉપરથી નક્કી થાય છે, પૃથ્વી પર તેની વિધિ થાય છે. સામાન્ય રીતે લગ્નનો લાડું પુરૂષ- મહિલા ખાય છે. ક્યાંક ક્યાંક સ્ત્રી-સ્ત્રી વચ્ચે લેસ્બિયન લગ્ન થાય છે. ક્યાંક ક્યાંક પુરૂષ- પુરૂષ વચ્ચે ગે મેરેજ થાય છે. જેમાં બે પાત્રોમાંથી કોઇ પાત્ર ટ્રાન્સજેડર હોય છે. સ્ત્રી- પુરૂષ સિવાયના લગ્નો હવામાં બાચકા ભરવા જેવા હવાતિયા છે!!” મેં રાજુને વિગતો આપી.
“ ગિરધરભાઇ. હવે લગ્નમાં નવો પ્રકાર ઉમેરાઇ રહ્યો છે. લગ્ન કી કહાનીમેં ટવિસ્ટ હૈ.” રાજુએ ઉતેજનાસભર સ્ટેટમેન્ટ કર્યું.
“કેવી ટવિસ્ટ રાજુ” મે કુતુહલતાથી પૂછયું.
“ દિલ થામ કે બેઠો, બરખુદ્દાર. હવે પોતે જ દુલ્હો અને પોતે જ દુલ્હનનો નવો ટ્રેન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. પિયર એ જ સાસરૂં . બેનોને સાકરિયાના ત્રાસ, મારકૂટ, દહેજ માંગણી, દેરાણી, જેઠાણી, સાસુ, નણંદ, સસરાના અમાનુષી મુક્તિ મળશે!” રાજુએ નવો પટારો ખોલ્યો.
“ રાજુ. પોતાની સાથે જ લગ્ન કરનારને સોલોગામી કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિને પાર્ટનરની જરૂરિયાત રહેતી નથી. તે ખુદ સાથે જ લગ્ન કરી લે છે ફેમસ પ્રોટોગોનિસ્ટ કૈરી બ્રેડશૉએ જાહેરાત કરી હતી કે તે ખુદ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારબાદ લોકડાઉનમાં આ પ્રકારના મામલાઓમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે.” મેં કહ્યું.
“ ગિરધરભાઇ. આ સોલોગામી લગ્ન ગુજરાતના દરવાજે ટકોરા દઇ રહ્યા છે!!
કેટરીના કૈફનું ગીત ‘શીલા કી જવાની’ રિલીઝ થયું તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે જેમ શીલાને અન્ય કોઈની જરૂર નથી અને ખુદને પ્રેમ કરે છે તે પ્રકારે નવો ટ્રેન્ડ બની જશે. લોકડાઉન (Lockdown)લાગ્યુ ત્યારથી વિદેશોમાં લોકો ખુદ સાથે લગ્ન કરવા લાગ્યા હોવાના કિસ્સા સામે આવવા લાગ્યા હતા. હવે આવું ભારતમાં પણ થઈ રહ્યું છે. તાજેતરમાં વડોદરાની યુવતીએ પોતાની સાથે લગ્ન (self marriage)કરવાની જાહેરાત કરીને સનસની ઊભી કરી દીધી છે. ક્ષમા બિંદુ ૧૧ જૂનના રોજ એક સમારોહમાં પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.લગ્નક્ષેત્રે આત્મનિર્ભર કે સ્વાશ્રયી થવાની અભિનવ પહેલને ખરા અંતરના ઉમળકાથી વધાવવાનો બદલે વિરોધ કરી રહ્યા છે. બેશરમ બે હયા!! “રાજુએ વિરોધી સામે મોરચો ખોલ્યો!!
“રાજુ. ક્ષમાના કિસ્સામાંથી મંગલ પ્રેરણા લઇને બધી છોકરીઓ સોલોગામી લગ્ન કરી લે તો તેટલા છોકરા ત્રિશંકુની જેમ લગ્નના બજારમાં લટકી જાય!! વળી મહિલા એલિયન પૃથ્વીવાસી પુરૂષો સાથે લગ્ન કરતી નથી. તને તો ત્રીજા કે ચોથા ભવમાં લગ્ન કે વિકલ્પે ઘરઘરણુ કરવાનું મળે!!!મેં રાજુના મગજની નસો વધુ ખેંચી.
“ગિરધરભાઇ. હું પણ ક્ષમા માર્ગે પ્રસ્થાન કરીશ” રાજુએ પોતાનો નિર્ણય જાહેર કર્યો.
આ નિર્ણયથી મારું મોઢું સિવાઇ ગયું!!!!
– ભરત વૈષ્ણવ
Home Vanchan Vishesh ક્ષમાની માફક સ્વલગ્ન-સોલોગામી(self marriage) કરવાનો રાજુ રદીએ નિર્ણય કર્યો!! (બખડ જંતર)