દેશના રાષ્ટ્રપતિની ૧૮ જુલાઈએ ચૂંટણી

30

૨૧ જુલાઈએ પરિણામ : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારોની કુલ સંખ્યા ૪૮૦૯ છે, જેમાંથી ૭૭૬ સાંસદ છે અને ૪૦૩૩ ધારાસભ્યો છે, હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યો છે
નવી દિલ્હી,તા.૯
ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જુલાઈ ૧૮ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાશે, જ્યારે ૨૧ જુલાઈના રોજ મતગણતરી કરવામાં આવશે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારોની કુલ સંખ્યા ૪૮૦૯ છે, જેમાંથી ૭૭૬ સાંસદ છે અને ૪૦૩૩ ધારાસભ્યો છે.રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરતાં ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૨ માટે કુલ ૪૮૦૯ મતદારો વોટ આપશે. કોઈપણ રાજનૈતિક પાર્ટી પોતાના સભ્યોને વ્હીપ જાહેર કરી શકશે નહીં. સાંસદના એક મતનું મૂલ્ય ૭૦૦ હશે. જે લોકો નિવારક અટકાયતમાં હશે તે લોકો વોટ કરી શકશે. આ ઉપરાંત જે લોકો જેલમાં હશે તેઓને પેરોલ માટે અરજી કરવી પડશે, અને જો તેમને પેરોલ મળી જશે તો તેઓ વોટ આપી શકશે.રાષ્ટ્રપતિ ચૂંટણીનો કાર્યક્રમઃ ૧૫ જૂનના રોજ નોટિફિકેશન જાહેર થશે, નોમિનેશન માટેની અંતિમ તારીખ ૨૯ જૂન, નોમિનેશનની ચકાસણી ૩૦ જૂન, ૧૮ જુલાઈના રોજ મતદાન થશે, ૨૧ જુલાઈના રોજ મતગણતરી. ઉમેદવાર અથવા તેના પ્રસ્તાવકો નક્કી કરેલ દિવસ ઉપર સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી નોમિનેશન માટે અરજી કરી શકશે. ચૂંટણી પંચે કહ્યું કે, રીટર્નિંગ ઓફિસરના સુપરવિઝન હેઠળ નવી દિલ્હીમાં મતગણતરી કરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા બાદ રીટર્નિંગ ઓફિસર દ્વારા રીટર્ન ઓફ ઈલેક્શનની જાહેરાત કરશે. આ ઉપરાંત ચૂંટણીને ઈકો-ફ્રેન્ડલી બનાવવા માટે ચૂંટણી પંચે દિશા-નિર્દેશો પણ સૂચવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક અથવા મટિરિયલનો ઉપયોગ ન કરવા તેમજ બાયોડિગ્રેડેબલ મટિરિયલ વાપરવા માટે સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સાંસદ નવી દિલ્હીમાં સંસદ ભવનમાં વોટિંગ કરશે, જ્યારે ધારાસભ્યો પોતાની વિધાનસભામાં મતદાન કરશે. કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં સાંસદ અને ધારાસભ્ય ક્યાંય પણ વોટ આપી શકશે, પણ આ માટે તેઓને ૧૦ દિવસ પહેલાં ચૂંટણી પંચને જાણ કરવી પડશે. દેશમાં તમામ ધારાસભ્યોના મતોનું મૂલ્ય ૫,૪૩,૨૩૧ છે. જ્યારે લોકસભા સાંસદોનું કુલ મૂલ્ય ૫,૪૩,૨૦૦ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને સદનોના ચૂંટાયેલા સભ્યોનું ચૂંટણી કોલેજના સભ્યો અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરી સહિત રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા મતદાન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૧૭ જુલાઈના રોજ મતદાન થયું હતું અને ૨૦ જુલાઈના રોજ મતગણતરી કરવામાં આવી હતી.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨૪૦ કેસ
Next articleનૂપુર શર્મા સહિત નવ લોકો સામે પોલીસે હ્લૈંઇ નોંધી