આજે વટસાવિત્રી પૂનમ : સૌભાગ્યવતી બહેનો દ્વારા વડનું પૂજન કરશે

276

વડના વૃક્ષને પાણીનું સિંચન કરી થડને સૂતરનો દોરો વીંટીને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરશે
આ વર્ષે તારીખ ૧૪ જૂન અને મંગળવારે જેઠ સુદ પૂનમના દિવસે વટસાવિત્રી પૂનમનું વ્રત ઉજવાશે. આ દિવસે સૌભાગ્યવતી બહેનો વડના વૃક્ષની અને સત્યવાન સાવિત્રી તથા યમરાજની પૂજા કરે છે. આ વ્રતની પાછળનો હેતુ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના હોય છે.આપણા પૌરાણિક ગ્રંથો મુજબ વડનું વૃક્ષ એ દેવનું સ્વરૂપ છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં દરેક ગામમાં વડનું વૃક્ષ અચૂક પણે જોવા મળે છે. ભારતીય શાસ્ત્રોમાં તહેવારોની પાછળ એક અદભુત શ્રદ્ધા તો કામ કરે છે પણ આપણા ઋષિ મુનિઓની ગહનતાને સમજવાનો પ્રયાસ કરીએ તો દરેક તહેવારો અને વ્રતની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જોવા મળે છે સાવિત્રી પૂનમ નું વ્રત સમાજને વૃક્ષની જાળવણીનો એક અમૂલ્ય સંદેશ પણ આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં પીપળાની જેમ જ વડના વૃક્ષને પણ અત્યંત પવિત્ર અને શુભતાનું કારક માનવામાં આવે છે. આ પર્વના દિવસે વડની પૂજા કરવામાં આવે છે જેની પાછળ સતિ સાવિત્રી અને સત્યવાનની કથા જોડાયેલી છે જેણે પોતાના પતિવ્રત અને સતીત્વનીના પ્રભાવથી યમરાજાના હાથમાંથી પોતાના મૃત પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા.

Previous article‘શિક્ષણેતર કાયૅથી શિક્ષકોને મુક્ત રાખો’ પાલનપુરની શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ સંગોષ્ઠિનો બુલંદ અવાજ
Next articleશહેરના જુદા જુદા ચાર સ્થળોએથી ૨૩ શખ્સો જુગાર રમતા ઝડપાયા