માણાવદરમાં ધોધમાર અઢી ઇંચ અને માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ : ભેંસો તણાઇ
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના વાતાવરણમાં ગત રાત્રિથી આવેલા પલટા બાદ આજ સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના માણાવદમાં અઢી ઈંચ તેમજ માંગરોળમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. માણાવદર શહેર અને પંથકમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યાં હતાં. જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઇ છે તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેર અને જિલ્લાના અમુક તાલુકાઓમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ દસ્તક દઇ હેત વરસાવી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં બફારા અને ઉકળાટના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને આકાશ તરફ આશ માંડી મેઘરાજાની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન ગત રાત્રિના જિલ્લાના તમામ તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ અમુક સ્થળોએ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. આજે સવારથી તમામ તાલુકામાં વરસાદ વરસાવવાનું શરૂ થયું હતું, જેમાં સવારે ૬ વાગ્યાથી માંગરોળ શહેર અને પંથકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. એકાદ કલાકમાં સવા ઈંચ વરસાદ વરસાવી દેતાં પંથકના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતાં થયાં હતાં અને વાતાવરણમાં અનેરી ઠંડકનો લોકો અહેસાસ કરી રહ્યા હતા.માણાવદર શહેર અને પંથકમાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચાર કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતાં રસ્તા પર પાણી પાણી થઈ ગયું હતું. આજે સવારથી પડેલા ધોધમાર વરસાદને પગલે માણાવદર શહેરની શાક માર્કેટ, મો઼ચીગલી, બહારપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેને લીધે લોકોને હેરાનગતિ થવાની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત થઈ છે. શહેર-પંથકમાં ચાલુ સીઝનમાં પ્રથમવાર પડેલા ધોધમાર વરસાદનો લહાવો લેવા બાળકો શેરીઓમાં નીકળી પડ્યાં હતાં. જિલ્લાના અન્ય સાત તાલુકામાં પણ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં આજે વરસાદની વાત કરીએ તો જૂનાગઢમાં ૩ એમએમ , કેશોદમાં ૫ એમએમ, ભેંસાણમાં ૩ એમએમ, મેદરડામાં ૧૮ એમએમ, માંગરોળમાં ૩૨ એમએમ(૧.૫ ઇંચ), માણાવદરમાં ૬૮ એમએમ (૨.૫ ઇંચ), વંથલીમાં ૨૧ સ્સ્, વિસાવદરમાં ૨ એમએમ વરસાદ વરસ્યો હતો.જૂનાગઢના માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતાં ધોધમાર વરસાદના પગલે ગોરેજ સહિતના કેટલાક ગામોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યાં જ ઠેર-ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જૂનાગઢના માંગરોળમાં લાલ બાગ વિસ્તારમાં વીજળી પડી છે. વીજળી પડતા અગાસીમાં કામ કરતા ૨ ભાઈઓ ઈજાગ્રસ્ત થયા છે. બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વીજળી પડવાથી ઘરની દીવાલોમાં તીરાડો પડી હતી, જ્યારે આજુબાજુના મકાનોના વીજ ઉપકરણોને નુકશાન થયુ હતુ. માણાવદર શાક માર્કેટ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વસાદના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ અમરેલીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ત્યાં જ વરસાદી પાણીમાં ભેંસો પણ તણાઇ હતી. જૂનાગઢના માણાવદરમાં એક સાથે ૬૮ એમએમ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ શક્રિય થઇ છે જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારમાં ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.ગીર સોમનાથ જિલ્લામાં પણ તમામ તાલુકામાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો જેમાં સૌથી વધુ જિલ્લાના ઉનામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.