લોકભારતીના કેળવણીના મૂળભૂત મૂલ્યો સાથે આધુનિક અનિવાર્ય શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થઈ
ભાવનગર જિલ્લાના સણોસરામાં લોકભારતી ગ્રામ વિધાપીઠ સાથે વિશ્વવિદ્યાલયનો ઉમેરો થયો છે. આજે લોકભારતી યુનિવર્સિટીના નિયુક્ત વડાઓએ સાવરણાઓ સાથે શુકનવંતો પદભાર સંભાળ્યો છે. ’લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન’ જે ગ્રામ્ય સંશોધન શિક્ષણ માટે વિશ્વની પ્રથમ વિશ્વવિદ્યાલય બને છે. આજે લોકભારતી યુનિવર્સિટી માટે વી.સી પદે જાણીતા સાક્ષર લેખક ભદ્રાયુ વછરાજાનીએ પદભાર ગ્રહણ કર્યો હતો, આ સાથે જ પ્રો.વી.સી પદે અભ્યાસુ પ્રતિભા વિશાલ ભાદાણી અને રજીસ્ટ્રાર પદે સંસ્કૃત શાસ્ત્ર પ્રાધ્યાપક રાજેન્દ્ર ચોટલિયાએ તેમના પદ સંભાળ્યા હતા. આ નવનિયુક્ત વડાઓએ કુમારિકા અને લોકભારતીના અગ્રણીઓના હસ્તે શ્રીફળ સાકર પડા અને સૂતર આંટી વડે અભિવાદન આવકાર કરવામાં આવ્યો હતો, કુમકુમ તિલક સાથે જ સ્વચ્છતા હેતુ સાવરણાઓ સાથે શુકનવંતો પદભાર સંભાળ્યો છે. લોકભારતીના વડા અરુણભાઈ દવેના નેતૃત્વ સાથે આ પદભાર ગ્રહણના ઉપક્રમ દરમિયાન સંસ્થાના અગ્રણી રામચંદ્રભાઈ પંચોલી, લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારી, ઉપનિયામક શ્રીધરભાઈ ગજ્જર, ગીરીશભાઈ ગોધાણી સાથે સંસ્થા પરિવાર કાર્યકર્તાઓ જોડાયા હતા.