ગત તા.૧૯ના રોજ ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ ઉપર બાવળીયાળી નજીક સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી ખાતા તેમાં સરતાનપર ગામના ર૦ લોકોના મોત થયેલા તેમાં મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા ૪-૪ લાખની સહાયની જાહેરાત કરાયેલી તેના ચેક મૃતકોના વારસદારોને મંત્રીના હસ્તે અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સુરત ખાતે મજુરી કામે જઈ રહેલા તળાજાના સરતાનપર ગામના લોકોનો સિમેન્ટ ભરેલો ટ્રક બાવળીયાળી નજીક પલ્ટી ખાતા તેમાં ર૦ લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોના પરિવારજનોને તાત્કાલિક રૂા.૪-૪ લાખની સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં સરકારી સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી જયદ્રથસિંહ પરમાર, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ડો.ધીરૂભાઈ શિયાળ, તળાજાના ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ સહિત આગેવાનોના હસ્તે મૃતકોના પરિવારજનોને સહાયના ચેક આપવા ઉપરાંત અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલી પાઠવી હતી.