૧૦થી ૧૫ ટકા સુધીનો ભાડામાં વધારો નહીં કરાય તો એરલાઈન્સ માટે કામગીરી ચલાવવી મુશ્કેલ બની જશે
નવી દિલ્હી,તા.૧૬
ભારતમાં એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે જેના કારણે આગામી દિવસોમાં વિમાની ભાડામાં પણ જોરદાર વધારો થાય તેવી શક્યતા છે. જેટ ફ્યુઅલ મોંઘું થવાથી એરફેર પહેલેથી વધી ગયા છે ત્યારે હવે તેમાં વધુ ઉછાળો આવે તેવી શક્યતા છે. એરલાઈન ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો માને છે કે એટીએફના ભાવવધારા પછી હવાઈભાડામાં ઓછામાં ઓછા ૧૦થી ૧૫ ટકાનો વધારો થશે.દિલ્હીમાં હવે એટીએફનો ભાવ ૧૦૦૦ લિટર દીઠ ૧.૪૧ લાખ રૂપિયા છે જ્યારે કોલકાતામાં ૧.૪૬ લાખ રૂપિયા અને મુંબઈમાં ૧.૪૦ લાખ રૂપિયા છે. ચેન્નાઈમાં ૧૦૦૦ લિટર એટીએફનો ભાવ રૂ. ૧.૪૬ લાખ રૂપિયા છે. સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે જણાવ્યું કે એટીએફના ભાવમાં તીવ્ર વધારા અને રૂપિયાના મૂલ્યમાં જોરદાર ઘટાડા પછી ડોમેસ્ટિક એરલાઈન્સ પાસે એરફેરમાં તાત્કાલિક વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો ૧૦થી ૧૫ ટકા સુધીનો વધારો કરવામાં નહીં આવે તો એરલાઈન્સ માટે કામગીરી ચલાવવી મુશ્કેલ બની જશે તેમ તેમણે કહ્યું હતું. વિમાનના પ્રવાસીઓએ હવેથી એર ટિકિટ માટે વધારે ખર્ચ કરવો પડશે. ૨૦૨૨માં એરફેરમાં તીવ્ર વધારો થયો છે. મે મહિનામાં કેટલાક ફેવરિટ રૂટ પર એરફેરમાં ૧૦થી ૭૫ ટકા સુધી વધારો થયો છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં એરલાઈન્સે ભારે ખોટનો સામનો કરવો પડ્યો છે. ભારતમાં એરલાઈન્સ ચલાવવામાં ૩૦થી ૪૦ ટકા જેટલો ખર્ચ એટીએફ પાછળ થાય છે. ફ્યુઅલ મોંઘું થવાથી તેના નફાના માર્જિનને અસર થાય છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે એટીએફના ભાવમાં તીવ્ર વધારો થયો છે કારણ કે બજારમાંથી રશિયન ઓઈલ સાવ જતું રહ્યું છે. જૂન ૨૦૨૧થી અત્યાર સુધીમાં એટીએફના ભાવમાં ૧૨૦ ટકા કરતા વધુ વધારો થયો છે. આ વધારો ટકાવી શકાય તેમ નથી. ભારતમાં કેન્દ્ર સરકારે એટીએફ પરના ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ કારણ કે ભારતમાં ટેક્સના દર સૌથી ઉંચા છે તેમ એક્સપર્ટે જણાવ્યું હતું. દરમિયાન ઝારખંડ સરકારે એટીએફ પરના વેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ એટીએફ પર ૨૦ ટકા વેટ લાગતો હતો. તેની જગ્યાએ હવેથી વેટનો દર ચાર ટકા કરવામાં આવ્યો છે.