મોદીએ બ્લોગમાં લખ્યું મા કે માતા શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી, આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે
ગાંધીનગર,તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે અને તેમના માતા હીરાબા કે જેઓ ગાંધીનગરના રાયસણમાં રહે છે તેમણે આજે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતમાં આવેલા વડાપ્રધાન મોદીએ આજે સવારે પોતાના પ્રવાસની શરુઆત કરતા પહેલા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. તેઓ માતા માટે ભેટ પણ લઈને પહોંચ્યા હતા. માતાના ઘરે પહોંચેલા વડાપ્રધાનને જોવા માટે ત્યાં ઘણાં લોકો ઉમટી પડ્યા હતા જેમનું તેમણે અભિવાદન પણ કર્યું છે. વડાપ્રધાને માતાને ફૂલનો હાર પહેરાવીને, સાલ ઉઢાડીને અને તેમના પગ ધોઈને તે પાણી પોતાના માથે ચઢાવીને આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના હાલચાલ પણ પૂછ્યા હતા અને આશીર્વાદ લીધા બાદ તેમની સાથે થોડીવાર વાતચીત પણ કરી હતી. દીકરાની પ્રગતિ જોઈને માતા હીરાબા પણ ઘણાં ખુશ હતા અને તેમણે વડાપ્રધાનને જીવનમાં હજુ વધુ સફળ થવા માટેના આશીર્વાદ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હાથમાં એક બેગ લઈને હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા, આ બેગમાં હીરાબા માટે ભેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોદી હીરાબાને મળ્યા ત્યારે જમીન પર બેસી ગયા અને માતાના પગ ધોયા હતા. તેમણે માતાના પગ ધોયા બાદ આ પાણીને પોતાના માથે ચઢાવ્યું હતું. પીએમ મોદીએ માતાને ફૂલોનો હાર તથા સાલ પણ ઓઢાડી હતી. માતાને મળવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ હીરાબાના આશીર્વાદ લીધા બાદ ઘરમાં જ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. માતાને ખુરશીમાં બેસાડીને પોતે જમીન પર બેસી ગયા હતા અને પછી તાબાની થાળીમાં માતાના પગ ધોયા હતા. માતાના લાંબી ઉંમરની કામના કર્યા બાદ તેમનું મોઢું પણ મીઠું કરાવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના માતા સાથે વાતો પણ કરી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું હતું. હીરાબા પણ દીકરાને મળીને ઘણાં રાજી હતા, તેમણે પણ વડાપ્રધાન મોદીના હાલચાલ પૂછ્યા હતા અને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ દીકરાને આપ્યા હતા. માતાના આશીર્વાદ લીધા પછી અહીંથી વડાપ્રધાન મોદી વડોદરા જવા માટે રવાના થયા છે. આજે તેઓ પાવાગઢ મંદિર પર ધ્વજા લહેરાવવાના છે. ૫૦૦ જેટલા વર્ષો પછી પાવાગઢ મંદિર પર આજે ધ્વજા ફરકાવવામાં આવશે. માતા હીરા બાના આજે ૧૦૦ માં જન્મદિને પીએમ મોદીએ તેમના બ્લોગમાં મા કે માતા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું- મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે. આજે હું બહુ ખુશ છું. મારી લાગણીને તમારી સાથે વહેંચતા વિશેષ આનંદ થાય છે કે, મારી માતા શ્રીમતી હીરાબા તેમના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. જો આજે મારા પિતા હયાત હોત, તો તેમણે પણ ગયા અઠવાડિયે તેમના ૧૦૦મા જન્મદિવસની ઉજવણી કરી હોત. વર્ષ ૨૦૨૨ એક વિશેષ વર્ષ છે, કારણ કે મારી માતાનાં જીવનનું ૧૦૦મું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને મારા પિતાએ ૧૦૦મું વર્ષ પૂર્ણ કર્યું હોત. હજુ ગયા અઠવાડિયે મારા ભત્રીજાએ ગાંધીનગરથી માતાના થોડા વીડિયો શેર કર્યા હતા. સમાજમાંથી થોડાં યુવાનો ઘરે આવ્યાં હતાં, મારા પિતાનો ફોટોગ્રાફ ખુરશીમાં મૂક્યો હતો અને કિર્તન થયા હતા. આ સમયે મારી માતા મંજીરા વગાડતાં ભજનો ગાવામાં એકાકાર થઈ ગયા હતા. તેમની ઊર્જા અને ભક્તિભાવ હજુ અગાઉ જેવો જ છે – ઉંમરને લીધે શરીરને અસર થઈ છે, પણ તેઓ મનથી હજુ પણ સાબૂત છે, તેમનું મનોબળ હજુ પણ મક્કમ અને મજબૂત છે. અગાઉ અમારા પરિવારમાં જન્મદિવસોની ઉજવણી કરવાની કોઈ પરંપરા નહોતી. જોકે યુવા પેઢીના બાળકોએ મારા પિતાના જન્મદિવસે તેમની યાદગીરીમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. મને કોઈ શંકા નથી કે, મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે, તે મારા માતાપિતાને આભારી છે. અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું, ત્યારે મારાં મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે. મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, ત્યારે મને ખાતરી છે કે, મારી માતા સાથે જોડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાંને તેમની માતા સાથે જોડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબી પણ દેખાય એવું બની શકે. કોઈ માતાનું તપ એક સારાં મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે છે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી, માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ઈશ્વરનું સર્જન તેમના ભક્તોની પ્રકૃતિ અનુસાર થાય છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમનું માતૃત્વ આપણી પોતાની પ્રકૃતિ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.