કોરોનાના બે વર્ષના કપરાકાળ બાદ આજથી ત્રણ દિવસ ભાવનગર સહિત રાજયભરની સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આયોજિત કરવામાં આવેલ છે. આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન ત્રણ દિવસ રાજય સરકારના મંત્રીઓ અધિકારીઓ અને અન્યક્ષેત્રના મહાનુભાવો ગામે ગામ જઇને પ્રવેશપત્ર બાળકોને વાજતે ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ૧૦૦ ટકાના નામાંકનની લક્ષ્ય પ્રાપ્તિ સાથે બાળકોના પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષાના મંત્રીઓ, આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, ડીએસ અને જેએસ કક્ષાના અધિકારીઓ ભાવભેર જોડાશે. તેમજ વર્ગ-૧ અને વર્ગ-૨ના જિલ્લાકક્ષાના અધિકારીઓ પણ જોડાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુદ્રઢ આયોજન ભાગરૂપે વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્ચે અભ્યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. અને બાળકને જીવનોપયોગી અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવેલ છે.