મુંબઈ, તા.૨૪
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ બાદ હવે રુમેલી ધરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રુમેલી ધરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ચાર ટેસ્ટ, ૭૮ વનડે અને ૧૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઇંગ્લેન્ડમાં ૨૦૦૯ ટી ૨૦ વર્લ્ડ કપમાં તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી.૩૮ વર્ષની રુમેલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેની ૧૫ વર્ષની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું. ધરે ૨૦૦૩માં ઈંગ્લેન્ડ સામેની વનડેમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. રુમેલી ધરે ભારત માટે ચાર ટેસ્ટ, ૭૮ વનડે અને ૧૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઇંગ્લેન્ડમાં ૨૦૦૯ ટી ૨૦ વર્લ્ડ કપમાં તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી, જેમાં તેણે ૪ મેચમાં ૬ વિકેટ લીધી હતી.ઈન્સ્ટાગ્રામ પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે માહિતી આપતા રુમેલી ધરે લખ્યું, ’મારી ૨૩ વર્ષની લાંબી ક્રિકેટ સફર જે પશ્ચિમ બંગાળના શ્યામનગરથી શરૂ થઈ હતી તે આખરે પૂરી થઈ રહી છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહી છું. આ પ્રવાસમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવું અને ૨૦૦૫ની ફાઇનલમાં પહોંચવું મારા માટે સૌથી યાદગાર રહેશે. આ સફરમાં મારી કારકિર્દી પણ ઘણી વખત ઈજાના કારણે પાટા પરથી ઉતરી ગઈ હતી. પરંતુ, દર વખતે હું મજબૂત રીતે પાછી ફરી હતી. હું મ્ઝ્રઝ્રૈં, મિત્રો અને સાથી ખેલાડીઓનો આભાર માનું છું. રુમેલી ધરે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ૨૦૧૮ની ટ્રાય નેશનલ ટી ૨૦ શ્રેણીમાં ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે શ્રેણીમાં, તેણી ૩૪ વર્ષની હતી. ૬ વર્ષની લાંબી રાહ જોયા બાદ તે ભારતીય ટીમમાં પરત ફરી હતી. રુમેલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૨૯.૫૦ની એવરેજથી ૨૩૬ રન બનાવ્યા છે અને ૨૧.૭૫ની એવરેજથી આઠ વિકેટ લીધી છે. વનડેમાં તેણે ૧૯.૬૧ની એવરેજથી છ અડધી સદી સહિત ૯૬૧ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ૨૭.૩૮ની એવરેજથી ૬૩ વિકેટ પણ લીધી છે. રુમેલીએ ૧૮.૭૧ની ઝડપે ૧૩૧ રન બનાવ્યા અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અણનમ ૬૬ રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે ૨૩.૩૦ની ઝડપે ૧૩ વિકેટ લીધી છે.