ગીધના મોઢામાં રામનામ ???(બખડ જંતર)

11

પાકિસ્તાનનો જન્મ ધિક્કાર,ધૃણા અને ધાર્મિકતાના પાયા પર થયેલો છે. ભારતના નામની એટલી ચીડ છે કે ઇમરાનને સ્વપ્નમાં પણ ભારત આવે છે.
પાકિસ્તાન ભારતના હાથે બે વાર જથ્થાબંધ અને અનેકવાર છૂટું છવાયું ખોખરું થયું છે. કંગાલિયતના કગાર પર હોવા છતાં ભારત દ્વેષ ઓછો થવાના બદલે વધતો રહ્યો છે. કેમ કે, તે ઉકરડાને આઇકોન માને છે!! ઉકરડા તો વધતા સારા!!
જેમાં તેને નાહવા કે નિચોવાનો સંબંધ નથી તેમાં કૂદી પડવું તેવું પાકને ગળથૂથીમાં જિન્હાએ પાઇ છે. કાશ્મીર આપણા દેશનો મુકુટ છે, સરતાજ છે, અભિન્ન અંગ છે. છતાં શેરીથી લઇને શિખર મંત્રણામાં કાશ્મીરનો કઢંગો રાગ આલાપે છે!! છતાં ઊંધા મોંએ પછડાય છે! મિયા પડે પણ તંગડી ઊંચી !!
આપણે બિનસાંપ્રદાયિકતા, સર્વધર્મસમભાવ તેમ જ સામેની વ્યકિતને આદર આપવાની ઓપનનેસ અપનાવી છે. લોકશાહી મૂલ્યો અને તંદુરસ્ત પ્રણાલિકા અપનાવી છે. દિવસે ને દિવસે સુદ્રઢ થતી જાય છે.પાકિસ્તાને ઘડિયાળના કાંટા અવળા ફેરવવાની નાકામ કોશિશ કરી છે. પાક તેના જન્મથી આજિદિન સુધી લશ્કરની લોખંડી એડી નીચે કચડાતું આવ્યું છે.
ચૂંટેલી સરકારને સન્માન આપવાના બદલે દબડાવી લશ્કરના જનરલો દેશના હાકેમ બનવાની નાપાક પ્રવૃત્તિમાં રમમાણ રહે છે. આઇએસઆઇ સરકારને દમ ભિડાવવા સિવાય કોઇ કામ કરતું નથી.
પાકિસ્તાનના શાસકો, સૈન્ય, મુલ્લા ક્યાંની પ્રજાને ભારત વિરોધી ઝેર પિવડાવવાના ષડયંત્રોથી વાજ આવતી નથી. આતંકવાદી મારફતે પ્રોકસી વોર અટકવાનું નામ લેતું નથી. પાક ભારત સાથે એક હજાર વરસ સુધી લડવાની ડંફાશ મારે છે.
ઇમરાનખાન ક્રિકેટના રૂપમાં લડાકું ઓલ રાઉન્ડર હતો. પ્લેબોય ક્રિકેટરની ઇમેજ હતી. પાકિસ્તાનને વન ડે મેચમાં ચેમ્પિયન બનાવેલ હતું. કેન્સરમાં મરણ પામેલી માની યાદમાં કેન્સર હોસ્પટિલ બનાવી હતી. વડાપ્રધાન બનીને કોઇ ચમત્કાર કરીને પાકને દલદલમાંથી ઉગારી શકયો નથી. તેની સામે પ્રજા, પાર્ટી, સેના, આઇએસઆઇનો વિરોધ વધતો જતો હતો. પાકમાં ચૂંટાયેલી સરકારના એક પણ વડાપ્રધાને પાંચ વરસની ટર્મ પૂરી કરેલી નથી.ઇમરાનખાનની સરકાર સામે વિપક્ષોએ અવિશ્વાસની દરખાસ્ત સંસદમાં રજૂ કરી પછીનો ઘટનાક્રમ આલ્ફ્રેડ હિંચકોકની થ્રીલર ફિલ્મ જેટલો ચઢાવ ઉતારવાળો રહ્યો છે. બેનઝીર ભૂટો અને શોકતઅલીની સરકાર સામે પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયેલી હતી.
એ બંને કાયરોએ તેના પર મતદાન કરાવી વિશ્વાસનો મત બોલો જીતી ગયા હતા!! આપણા ખાનખાનેસામા ખાનબહાદુરે અવિશ્વાસની દરખાસ્ત મતદાન કરાવ્યા સિવાય રદ કરાવી રેગ્યુલરમાંથી કાર્યવાહક પ્રધાનમંત્રી બનવાનું એકમેવ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. ભવિષ્યમાં કાર્યવાહીમાંથી ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું અદ્વિતીય લેબલ મેળવશે!!!
અર્થતંત્રની બદહાલીના છેલ્લા સિતેર વરસના રેકોર્ડ તોડવાનું ભૂતોનભવિષ્યતિ બહુમાન ઇમરાને મેળવેલ છે. તેની નજદીકી ફરાહખામે મેરી નજદીકિયાનો અભૂતપૂર્વ લાભ લઇને ૬૦૦ કરોડ જેટલા ચણામમરા જેટલો લાભ મેળવેલ છે!!સ્પોર્ટસમેન કમ ક્રિકેટર એવા ઇમરાને ઇન સ્વિંગ, રિવર્સ સ્વિંગ કે બાઉન્સર ફેંકવાનો બદલે અંડર આર્મ બોલ ફેંકીને અંચઇ કરી છે. તેણે રમતમાં સર્વોપરી એવા ખેલદિલી-સ્પોર્ટસમેન સ્પિરિટ દાખવેલ નથી.
ભારત વિરૂધ્ધ હળાહળ વિષવમન કરનાર ઇમરાન અંકલને ઘડપણમાં ( દોઢ) ડહાપણની સેકન્ડહેન્ડ દાઢ ફૂટી છે કે શું?
હમણા હમણા સસલાના વેશમાં વરું એવા ઇમરાને કહેલું કે ભારત આપણી સાથે આઝાદ થયું છે. ભારતની વિદેશનીતિ સમતોલ છે. રશિયા પુરાણું મિત્ર છે અને અમેરિકા વ્યુહાત્મક મિત્ર છે. યુક્રેન યુધ્ધના મુદે તાટસ્થ્ય બરકરાર રાખ્યું છે!!ઇન્ડિયન પાસપોર્ટની દુનિયામાં ઇજ્જત છે!!!
યકીન હોતા નહીં હૈ ને?? પોતાના ગાલે ચૂંટ્યો ખણો અને સ્વપ્નાવસ્થા કે જાગૃતાવસ્થામાં છો તેની ખાતરી કરો! સલમાન સુધર ગયા. લા હૌલ કુવ્વત !!
આ તો કાગડાના મોઢામાં રામ નથી પણ ગીધડાના મોઢામાં રામ છે.

– ભરત વૈષ્ણવ

Previous articleપ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટની ભૂવનેશ્વરની સિધ્ધિ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે