ઉદેપુરની સ્થાનિક કોર્ટે કનૈયાલાલની હત્યાના આરોપીઓને ૧૩ જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા
અજમેર, તા.૧
ઉદેપુરના કનૈયાલાલ હત્યાકાંડના બન્ને આરોપીઓને અજમેર હાઈ સિક્યોરિટી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સખત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બન્ને આરોપીઓને બખ્તરબંધ ગાડીમાં અજમેરની ઘૂઘરા ઘાટી સ્થિત હાઈ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. ઉદેપુરની સ્થાનિક કોર્ટે બન્ને આરોપીઓને કનૈયાલાલની હત્યાના આરોપીઓને ૧૩ જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. બન્ને આરોપીઓને હાઈ સિક્યોરિટી જેલમાં અલગ-અલગ રાખવામાં આવ્યા છે. ઉદેપુર કેસમાં એક અધિકારીએ જણાવ્યું છે કે, મંગળવારે દરજી કનૈયાલાલની હત્યાના બન્ને આરોપીઓ રિયાઝ અખ્તરી અને ગૌસ મોહમ્મદને એક પોલીસ વાનમાં કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે બન્ને આરોપીઓના ચહેરા ઢંકાયેલા હતા અને તેમને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૩ જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આ પછી ઉદેપુરથી દરજીના હત્યાના કેસમાં બન્ને આરોપીઓને મોડી રાત્રે અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં મોકલવામાં આવ્યા છે. ઉદેપુર કાંડના બન્ને આરોપીઓએ જ ઘાતકી હત્યાનો કારસો રચ્યો હતો અને તે પછી તેમણે જે ઝનૂન બતાવ્યું છે તેને જોતા બન્ને જેલમાં અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓનું આજે મેડિકલ કરવામાં આવશે. મોડી રાત્રે આરોપીઓને જેલમાં લવાયા તેના કારણે તેમને મેડિકલ કરી શકાયું નહોતું, હવે આજે તેમના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. ઈન્ટરનેટ બંધના નિર્ણય અંગે જણાવવામાં આવ્યું છે કે, ઉદેપુરની ઘટનાને ધ્યાનમાં રાખીને જયપુરના સંભાગના તમામ જિલ્લામાં ૧ જુલાઈ સાંજે ૫.૩૦ સુધી ઈન્ટરનેટ પર અસ્થાઈ પ્રતિબંધ લાગી કરવાની વાત કહેવાઈ છે. ગુરુવારે જારી કરાયેલી આદેશ અનુસાર જયપુર, દૌસા, સીકર, અલવર અને ઝુનઝુનુની સીમામાં ઈન્ટરનેટ સેવા પ્રભાવિત રહેશે. પોલીસે જણાવ્યું છે કે બન્ને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓને રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી ઘટનાના થોડા કલાક પછી પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે તેઓ બાઈક પર જઈ રહ્યા હતા.