એજબસ્ટન, તા.૨
રવિન્દ્ર જાડેજા અને રિશભ પંતની શાનદાર સદીની મદદથી ભારતે એજબસ્ટનમાં શુક્રવારથી શરૂ થયેલી પાંચમી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પોતાના પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ સામે ૪૧૬ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો છે. શુક્રવારે પ્રથમ દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં રિશભ પંત અને જાડેજાએ લાજવાબ બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને ટીમની બાજી સંભાળી હતી. પંત પ્રથમ દિવસે ૧૪૬ રન નોંધાવીને આઉટ થયો હતો. પ્રથમ દિવસે ભારતે ૩૩૮ રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી અને જાડેજા ૮૩ રને રમતમાં હતો. શનિવારે બીજા દિવસની શરૂઆત જ જાડેજાએ આક્રમક બેટિંગ કરી હતી અને પોતાની સદી પૂરી કરી હતી. તેણે ૧૦૪ રનની ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ માટે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પાંચ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને ઈંગ્લેન્ડે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે ૯૮ રનના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા ૨૦૦ રનના સ્કોર સુધી પહોંચી શકશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી હતી. જોકે, રિશભ પંત અને રવિન્દ્ર જાડેજાની બાજી ભારતના પક્ષમાં કરી દીધી હતી. આ જોડીએ ૨૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી. પંત પ્રથમ દિવસ પૂરો થાય તે પહેલા જ આઉટ થઈ ગયો હતો. તેણે ૧૧૧ બોલમાં ૨૦ ચોગ્ગા અને ચાર સિક્સર સાથે ૧૪૬ રન નોંધાવ્યા હતા. જ્યારે જાડેજા બીજા દિવસે પ્રથમ સત્રમાં જ સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. તેણે ૧૯૪ બોલ રમ્યા હતા જેમાં તેણે ૧૩ ચોગ્ગા સાથે ૧૦૪ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સુકાની જસપ્રિત બુમરાહે ૧૬ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે અણનમ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. યજમાન ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાની જોડીએ ઈનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે, ટીમનો સ્કોર ૨૭ રન થયો હતો ત્યારે જેમ્સ એન્ડરસને ગિલને આઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે ૨૪ બોલમાં ૧૭ રન નોંધાવ્યા હતા. બાદમાં એન્ડરસને પૂજારાને પણ આઉટ કરી દીધો હતો. પૂજારાએ ૧૩ રન નોંધાવ્યા હતા. એન્ડરસન બાદ મેટ્ટી પોટ્સ ત્રાટક્યો હતો અને તેણે હનુમા વિહારીને આઉટ કર્યો હતો. જેણે ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલીનું નબળું ફોર્મ પ્રથમ દાવમાં પણ યથાવત રહ્યું હતું. તેણે ૧૯ બોલમાં ૧૧ રન નોંધાવ્યા હતા અને મેટ્ટી પોટ્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ એન્ડરસને શ્રેયસ ઐય્યરને અંગત ૧૫ રને આઉટ કર્યો હતો. ભારતે ૯૮ રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડ માટે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ભારતીય ઓપનર શુભમન ગિલ તથા ચેતેશ્વર પૂજારાને આઉટ કર્યા હતા. ત્યારબાદ તેણે રવિન્દ્ર જાડેજાની મહત્વની વિકેટ ખેરવી હતી. એન્ડરસને ૨૧.૫ ઓવરમાં ૬૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે મેટ્ટી પોટ્સે વિરાટ કોહલીની મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે ૨૦ ઓવરમાં ૧૦૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. સ્ટુઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.