મુખ્યમંત્રીને સંબોધી ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું : કહ્યું મુખ્યમંત્રીના ધ્યાન મુકજો અન્યથા અમારે ગાંધીનગર ધક્કો થશે !
ખેતીવાડી ક્ષેત્રે પુરા પડાતા વીજ પૂરવઠાના દરને લઇને ભારતીય કિસાન સંઘે આજે મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદન પાઠવી દર ઘટાડાની માંગ ઉચ્ચારી છે.
વીજ પુરવઠો વોર્સ પાવર અને મીટર આધારિત એમ બે અલગ અલગ રીતે પુરો પાડવામાં આવે છે જે બંને પધ્ધતિમાં એક સમાન ભાવ રાખવા ખેડૂતોએ માંગ ઉઠાવી છે.
ભારતીય કિસાન સંઘના પ્રમુખ હસમુખભાઇ સાવલીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આજે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. બંને વીજદરમાં દફાવત છે જેથી ખેડૂતોને ભાગે નુકશાની આવે છે. આ ઉપરાંત ફીક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવી, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી કંપનીની નક્કી કરવી, કિસાન સૂર્યોદય યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવી, સ્કાઇ યોજના ફરીથી લાગુ કરવી તથા ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના તત્કાલ શરૂ કરવા માંગ ઉઠાવાઇ છે. ભારતીય કિસાન સંઘે આ આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત પ્રશ્નો તત્કાલ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા અન્યથા કિસાન સંઘે ગાંધીનગર જવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વીજળીના દર અને મફત વીજળીને લઇને દેખાવો અને પ્રદર્શન થઇ રહ્યા છે. આ સમયે ખેડૂતોના સંગઠન કિસાન સંઘે પણ ધરતીપુત્રોને પુરા પડાતા વીજ પુરવઠાના બીલમાં વિસંગતતા હોવાનું જણાવી સુર પુરાવ્યો છે.