એકનાથ શિંદેએ ૧૬૪ મત સાથે ફ્લોર ટેસ્ટ જીતી લીધો

8

મહારાષ્ટ્રના રાજકારણની ફાઈનલ મેચમાં પણ શિંદેનો વિજય : મહાવિકાસ આઘાડી જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણ પક્ષો છે તેમને આજે પણ મોટો ઝટકો લાગ્યો
મુંબઈ, તા.૪
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ખેલના આજે ફાઈનલ મેચમાં એકનાથ શિંદે મેન ઓફ ધ મેચ બનીને આવ્યા છે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં બનેલી એકનાથ શિંદે સરકારના પક્ષમાં વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ દરમિયાન ૧૬૪ મત પડ્યા હતા. જ્યારે મહારાષ્ટમાં કુલ ૨૮૮ બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૪૫ એ જાદુઈ આંકડો છે. તેવામાં કહી શકાય કે શિંદે સરકારે આજે તેની બીજી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. રવિવારે વિધાનસભાના નવા અધ્યક્ષ મામલે વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના ઉમેદવાર રાજન સાલ્વી વિરુદ્ધ ૧૬૪ મત મેળવીને જીત્યા હતા. રાજન સાલ્વીને ૧૦૭ મત મળ્યા હતા.તેવામાં આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિંદે સરકારે બીજી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. શિંદે સરકારે સદનમાં બહુમત મેળવ્યો છે. કુલ ૧૬૪ ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગ દરમિયાન શિંદેના પક્ષમાં મતદાન કર્યું છે. મહત્વનું છે કે વિશ્વાસ પ્રસ્તાવ માટે ધ્વની મતનો વિપક્ષ દ્વારા તીવ્ર વિરોધ બાદ દરેક ધારાસભ્ય પાસે જઈને તેમનો મત લેવામાં આવ્યો હતો અને આ રીતે વોટિંગમાં પણ શિંદે સરકારના પક્ષમાં ૧૬૪ મત પડ્યા હતા જે બહુમતના ૧૪૫ મત કરતા ઘણો મોટો આંકડો હતો. આ દરમિયાન મહાવિકાસ આઘાડી જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણ પક્ષો છે તેમને આજે પણ મોટો ઝટકો લાગ્યો હતો. જે તે પક્ષો તરફથી પોતાના ધારાસભ્યોને વ્હીપ હોવા છતા આજે આઠ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો છે. જેમાં અશોક ચવ્હાણ જેવા દિગ્ગજ નેતા પણ સામેલ છે. જ્યારે શિવસેના માટે મોટો ઝટકો એ હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના કહેવાતા ૧૬ ધારાસભ્યો પૈકી એક સંતોષ બાંગર જેઓ હજુ થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેના ઉલ્લેખ સાથે જાહેરમાં રડ્યા હતા અને તેમના પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી હતી તેમણે પણ આજે શિંદે પક્ષમાં વોટિંગ કર્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. જ્યારે બહુજન વિકાસ આઘાડીના ત્રણ ધારાસભ્યોએ પણ શિંદે સરકારના પક્ષમાં વોટિંગ કર્યું હતું. જ્યારે સમાજવાદી પાર્ટીના અબૂ આસિમ આઝમી સહિત બંને ધારાસભ્યોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. આ તરફ વિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ કે જે આ સરકારમાં ડે. સીએમ પદ પર છે તેમણે સદનમાં આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે પોતાનો આનંદ જાહેર કરતા જે ધારાસભ્યોએ શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું તેમનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે અમે એ અદૃશ્ય તાકાતનો પણ આભાર માનીએ છીએ જેમણે અમારું સમર્થન કર્યું. આમ ફડણવીસનો ઈશારો એ વાત તરફ હતો જે આસામમાં રહેવા દરમિયાન એકનાથ શિંદેએ પોતાના સાથી ધારાસભ્યોને કહી હતી કે તેમને આ બળવો કરવા માટે એક અદૃશ્ય મહાશક્તિ મદદ કરી રહી છે. બીજી તરફ વિરોધમાં ફક્ત ૯૯ મત પડ્યા છે અને ઓખો વિપક્ષ બે આંકડામાં જ સમાપ્ત થયો છે. ૧૦૦નો આંકડો પણ પાર કરી શક્યો નથી તે જોતા ઉદ્ધવ ઠાકરે માટે આગામી સમય વધુ સમસ્યા અને મુશ્કેલી લઈને આવે તો નવાઈ નહીં.
મારી માગ કે અપેક્ષા નહોતી કે મને મુખ્યમંત્રી પદ જોઈએ છેઃ શિંદે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે રવિવારે જે સ્પીકરની ચૂંટણી હતી, તે અમે લોકોએ સારા મતથી જીતી લીધી છે. અમારી પાસે ૧૬૬ મત છે, સામે વાળા પાસે માત્ર ૧૦૭ છે, આ જે અંતર છે, તે ખૂબ વધારે છે અને તે દિવસેને દિવસે વધતુ જશે. તેમણે કહ્યુ કે આ પહેલી લડાઈ સ્પીકરની અમે લોકોએ આજે જીતીને બતાવી છે. અત્યારે વિધાનસભાના સ્પીકરે શિવસેના વિધાનમંડળ પાર્ટીના જુથનેતા તરીકે મને નિયુક્ત કર્યો છે અને ચીફ વ્હિપ ભરત ગોગાવલેને નિયુક્ત કર્યા છે. અમારી પાસે બહુમત છે. અગાઉ જે ગ્રુપ લીડર અજય ચૌધરી અને સુનીલ પ્રભુ વ્હિપ હતા તેમની પાસે બહુમત નથી. લઘુમતીમાં તેમણે આ બદલાવ કર્યો હતો અને મને બદલી લીધો હતો. પરંતુ આજે જે અમે લોકોએ સ્પીકર પાસે પિટીશન ફાઈલ કરી છે તેમણે તેનો નિર્ણય આપ્યો છે કેમ કે લીગલી જેમની પાસે બહુમત હોય છે, તેમની જ પસંદગી કરવામાં આવી શકે છે અને તે આજે કરી દીધુ છે. આનો અર્થ સત્ય સામે આવી ગયુ છે. મારી કોઈ એવી માગ કે અપેક્ષા નહોતી કે મને મુખ્યમંત્રી પદ જોઈએ પરંતુ તે એક વિચારધારાનો વિષય હતો. બાલાસાહેબ ઠાકરેના હિંદુત્વની વિચારધારાવાળી વાત હતી અને જે મહા વિકાસ અઘાડીની બીજી પાર્ટીઓ હતી, તેનાથી અમારા પાર્ટીના કાર્યકર્તા નારાજ હતા, ચૂંટણી વિસ્તારમાં કામ થઈ રહ્યુ નહોતુ તેથી ધારાસભ્ય નારાજ હતા કેમ કે દરેક ધારાસભ્યની ઈચ્છા હોય છે કે અમારા વિસ્તારમાં સારુ કામ થાય વિકાસ થાય, લોકોને ન્યાય મળે પરંતુ આવી કોઈ વાત જોવા મળી રહી નહોતી અને તેમના અસ્તિત્વની લડાઈ જે લડી રહ્યા હતા, તેમનુ અસ્તિત્વ જોખમમાં પડી ચૂક્યુ હતુ. તેથી અમે લોકોએ પ્રયત્ન પણ કર્યો, કે આને દુરસ્ત કરવામાં આવે, કંઈક કરેક્શન થઈ જાય પરંતુ તેમાં અમે સફળ થયા નહીં. જેથી જો ૫૦ ધારાસભ્ય એક તરફ જાય છે, તો આનો અર્થ શુ છે, તેમાં ભૂલ કોની છે. એ શોધવુ જોઈએ. કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તેથી આટલી મોટી સંખ્યામાં ધારાસભ્ય આજે અમારી સાથે છે.

Previous articleદર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા : મોદી
Next articleએકનાથ શિંદેની સરકાર છ માસમાં પડી શકે છે : પવાર