ભાવનગર શહેરમાં મેઘરાજા જાણે મહેબાન થયા હોય તેમ અષાઢી બીજથી શરૂ થયેલો વરસાદ આજે સતત પાંચમા દિવસે પણ બપોરે વરસાદનું ઝાપટું આવી જતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં એકાએક જોરદાર વરસાદી ઝાપટું વરસતા એકાદ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ભાવનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટું આવ્યુ હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં સુભાષનગર, કાળાનાળા, રૂપમચોક, માધવદર્શન, પરિમલ ચોક, જશોનાથ ચોક, વડવા, કુંભારવાડા, રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ બપોર બાદ દસ્તક દીધી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાઓમાં ગામડાઓમાં પણ બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેમાં તળાજાના સાગાણા, કામરોળ, સરતાનપર, ગોપીનાથ, પીથલપર, ઠાડચ, કુંઢેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી, તળાજા પંથકમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આમ, ભાવનગર શહેર અને જિલ્લામાં એકાદ કલાકમાં આશેર એકદા ઈંચ જેટલો વરસાદ પડયો હતો, આજે બપોરે બાદ એકાએક વરસાદી માહોલ થતા શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકમાં છુટાછવાયા વરસાદની આગાહી પણ કરી છે જેના પગલે અષાઢ માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે સતત ત્રણ દિવસ થી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે આગાહી આપી હતી, જે અનુસંધાને રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર, આણંદ, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ તથા દિવ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેસર પંથકમાં મેઘરાજા મહેરબાન સવા ઇચ વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ચોમાસાનો અસલી રાઉન્ડ શરૂ થયો હોય તેમ છેલ્લા ૫ દિવસથી ઓછો વધતો વરસાદ પડી રહ્યો છે જેમાં જેસર પંથકમાં ગઈકાલે ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે સોમવારે પણ સવા ઈચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને જળાશયોમાં પણ નવા નિરની આવક થવા પામી છે. ભાવનગર શહેર ઉપરાંત મહુવા અને તળાજા પંથકમાં પણ આજે જોરદાર એક ઇચ જેટલો વરસાદ પડ્યો હતો મહુવા તથા તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર શરૂ રહેતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો અને વાવણીમાં જોતરાયો હતો ભાવનગર જિલ્લાના ઉમરાળા, વલભીપુર, ગારીયાધાર તથા સિહોર પંથકમાં પણ હળવો ભારે વરસાદ પડ્યો હતો. ગોહિલવાડ પંથકમાં શરૂ થયેલા હળવા ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નિરની આવક પણ શરૂ થઈ જવા પામી છે.ચોમાસાની સિઝનમાં ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં જોઈએ તો સૌથી વધુ મહુવામાં સાત ઇંચ, ગારીયાધારમાં છ ઇંચ, ભાવનગર શહેરમાં સાડા પાંચ અને જેસર પંથકમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ સિઝનનો નોંધાયો છે.