સિહોર, ગારિયાધાર, વલ્લભીપુર, પાલિતાણામાં પણ ભારે ઝાપટા, ઉપરવાસના ગામોમાં અનરાધાર વરસાદના પગલે બગડ ડેમ ૨૫ સે.મી.ના ફ્લોથી ઓવરફ્લો, શેત્રુંજી નદી બે કાંઠે : બગદાણામાં અનરાધાર મેઘમહેર : અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક : અધિકારીઓને ભાવનગર નહીં છોડવા કલેક્ટરની સુચના
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દરમિયાનમાં આજે જિલ્લાના તળાજા અને મહુવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના વાવડ મળ્યા છે. આ ઉપરાંત બગદાણા અને આ પંથકના વિવિધ ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે બગડ ડેમ ઓવરફ્લો થયો છે અને નિચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કરી સાવધાની વર્તવા જણાવી દીધું છે. જ્યારે સિહોર, ગારિયાધાર, પાલિતાણા સહિતના પંથકમાં પણ ઝરમરથી લઇને ભારે ઝાપટા સુધી મેઘવર્ષા થઇ છે. બીજી બાજુ બપોરે પોણા બે વાગ્યા સુધી ભાવનગરમાં માત્ર મેઘાડંબર જ જોવા મળ્યું હતું. તળાજાથી મળી રહેલા અહેવાલો મુજબ તાલધ્વજ નગરીમાં આજે સવારે લગભગ સવાદસ વાગ્યાથી મેઘસવારી આવી પહોંચી હતી અને બપોરે સવા એક વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલું પાણી વરસી ગયું છે. ભારે વરસાદના પગલે રાજમાર્ગો પર નદીઓ વહી હતી અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. તળાજાના શિવાજીનગરથી ડોક્ટર વાઘેલાના દવાખાનાના પોણો કિ.મી.નો રસ્તા પર ગોઠણડુબ પાણી ભરાયા હતાં. જ્યારે તાલુકાના બોરડા ગામના નવા પ્લોટ વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને કેટલાક ઘરમાં પણ પાણી ઘુસ્યા હતાં. ભારે વરસાદના પગલે તળાજી નદી બે કાંઠે વહેવા લાગી હતી. મહુવામાં પણ આજે સવારથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી અને ભારે વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે બગદાણા અને આજુબાજુના ગામોમાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે. આ પંથકના દુદાણા, ટીટોડીયા, ધરાઇ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યાના વાવડ છે. આ પંથકના બગડ ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ૪ કલાકમાં ૪ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હોવાનું ડેમ પર ફરજ પરના અધિકારીએ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વધુમાં ભારે વરસાદના પગલે બગડ ડેમ બપોરે ૨૦ સે.મી.ના ફ્લોથી ઓવરફ્લો થઇ રહ્યો હોવાનું પણ અધિકારીએ ઉમેર્યું હતું. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ માલણ અને રોજકી ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પણ અડધાથી લઇ એક ઇંચ સુધીનો હળવો-ભારે વરસાદ પડ્યો છે. આ બાજુ સિહોર, પાલિતાણા અને ગારિયાધાર પટ્ટીમાં પણ સારા વરસાદના વાવડ છે. પાલિતાણામાં સવારે ૧૦ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં દોઢ ઇંચથી વધુ પાણી વરસી ગયાનું જાણવા મળ્યું છે. જ્યારે બપોરે સિહોરમાં પણ અનરાધાર વરસાદ શરૂ થયો છે તો ગારિયાધાર પંથકમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભાવનગર શહેરમાં સવારથી વાદળોએ જમાવટ કરી છે અને મેઘાડંબર જોવા મળી રહ્યું છે પરંતુ બપોરે ૨ વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો નથી. અધિકારીઓને ભાવનગર નહીં છોડવા કલેક્ટરની સુચના ભારેથી અતિભારે વરસાદનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે ઉભી થનાર વિષમ પરિસ્થિતિમાં બને તેટલું નુકશાન ખાળી શકાય તે માટે થઇને વહિવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. દરમિયાનમાં ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ એક પરિપત્ર કરીને સરકારી અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા તાકીદ કરી છે. ઉપરાંત રજા પર જતા પૂર્વે મંજૂરી લેવા જણાવ્યું છે. કુદરતી તથા માનવસર્જીત આફત અને આપાતકાલીન સમયમાં પૂર્વ તૈયારી, રોકથામ, આપત્તિઓના જોખમના ઘટાડાની કામગીરી અને પ્રતિભાવના પગલા માટે કામગીરી કરવા જિલ્લાના તમામ અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જરૂરી હોવાથી તેમજ જુલાઇ અને ઓગષ્ટ માસમાં જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના હોય. સંભવિત કુદરતી આપત્તિના સમયે આપાતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા કલેક્ટરે સુચના આપી છે. આ સુચના ભાવનગર શહેર-જિલ્લામાં સરકારી જુદા જુદા ૭૪ વિભાગને લાગુ થશે જેમાં ભાવનગર મહાપાલિકાનો પણ સમાવેશ થાય છે.